- ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં બેઠકો ચાલુ થઈ
- જિલ્લા તેમ જ તાલુકા પંચાયતમાં ટિકિટ બાબતે કોંગ્રેસની બેઠક યોજાઇ હતી
- યુવા વર્ગને ટિકિટની પહેલી પસંદગી બાબતે બેઠકમાં ચર્ચા થઈ હતી
આહવાઃ આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં પણ ભાજપ, કૉંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી દ્વારા બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. હાલમાં ડાંગ જિલ્લામાં ભાજપ પક્ષ લડાયક મૂડમાં છે. જ્યારે કોંગ્રેસ પક્ષ માટે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અસ્તિત્વની લડાઈ બની ચૂકી છે.
કોંગ્રેસ સમિતિના આગેવાનોની બેઠક યોજાઈ
આજરોજ ડાંગ સ્વરાજ આશ્રમનાં ટીમ્બર હોલ ખાતે ડાંગ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલ ચૌધરી અને પ્રભારી અજય ગામીતનાં અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતની 18 બેઠકો, વઘઇ તાલુકાની 16 બેઠકો, સુબીર તાલુકાની 16 બેઠકો તથા આહવા તાલુકાની 16 બેઠકો માટે ઉમેદવારની પસંદગી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલાના પરિવારજનોને ટિકિટ નહીં ફાળવાય
કોંગ્રેસની બેઠકમાં બાગી નેતા કે તેઓના પરિવારજનોને ટિકિટ ન ફાળવવા તથા કૉંગ્રેસ પાર્ટીમાં નવા યુવા ચહેરાઓને તક આપવાનો ભાર મુક્યો હતો. ડાંગ જિલ્લા કોંગ્રેસ પક્ષના કદાવર અને પીઢ નેતાઓમાં મંગળભાઈ ગાવીત, ચંદરભાઈ ગાવીત સહિત બાબુભાઇ બાગુલે હાલમાં જ કેસરીયો ધારણ કરી લેતા ડાંગ કૉંગ્રેસની સ્થિતિ કફોડીજનક બની છે. ડાંગ જિલ્લામાં વિધાનસભાની પેટા ચૂંટણી બાદ તમામ સમીકરણો ભાજપ પક્ષ તરફ જઈ રહ્યાં છે.
ડાંગના યુવા વર્ગને ટિકિટમાં અગ્રીમતા આપશે
આહવા ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજાયેલ કોંગ્રેસ ની બેઠકમાં યુવા વર્ગ ને પહેલાં તક આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. ડાંગ જિલ્લો વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. પરંતુ 2020માં વિધાનસભાની પેટા ચૂંટણી બાદ ડાંગમાં કેસરિયો લહેરાતા ડાંગ કોંગ્રેસનાં વર્ષો જૂનાં નેતાઓએ પણ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. જે બાદ હવે કોંગ્રેસ સમિતિ દ્વારા યુવાવર્ગને તક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.