ડાંગઃ કોરોના વાઇરસની મહામારીને પગલે સમગ્ર વિશ્વ ભારે મુસીબતનો સામનો કરી રહ્યું છે. કોરોના પ્રત્યે સાવધ બની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે ડાંગ જિલ્લામાં વહીવટી તંત્રની સાથે સાથે આયુર્વેદિક જડીબુટ્ટીઓથી ઉપચાર કરતા વૈદો કે, જે ભગતોના નામથી પ્રખ્યાત છે તેઓ પણ આ મહામારીને નાથવા માટે પોતાની ઔષધિઓ દ્વારા સેનેટાઈઝ કરી વનસ્પતિઓની મદદ લઇ રહ્યા છે.
લાંબાસોંઢા ગામના ભગત જતરૂભાઇ સાવનભાઇ ગવાર જણાવે છે કે, કોરોના વાઇરસની વાતથી અમે આખા ગામને સ્વચ્છ કરી વનૌઔષધિવાળા પાણીનો છંટકાવ કરી રોગમુક્ત કર્યા છે. તથા વનસ્પતિઓ નાંખી ઉકાળેલુ પાણી ગામના દરેક વ્યકિતને આપીએ છીએ.
શિવારીમાળના વૈદ રોહિદાસભાઇએ જણાવ્યું હતું કે, 'અમે કુલ ૬ પ્રકારની વનસ્પતિ ગળો,તુલસી,ભોકળ,બીલીપત્ર,અરડુસી જેવી ઔષધિનો ઉપયોગ કરીએ છીએ. ગળોની વનસ્પતિ બાવન પ્રકારના રોગને ભગાડે છે. ગળોને વાટી પાણીમાં બોળી તેનું એક ચમચી પાણી લેવાથી શરીરની તંદુરસ્તી ખૂબ સારી રહે છે. અમે અમારા ગામમાં પણ લોકોને જાણકારી આપી પારંપારિક જ્ઞાનથી કોરોના વાઇરસને અટકાવવાના પ્રયાસ કરી રહ્યા છે. અમે કંદ,મૂળ,પાન વગેરેથી લોકોના ઉપચાર કરીએ છીએ.'