- ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠક પર પેટા ચૂંટણી
- ડાંગ બેઠક પર વિજય પટેલ છે ભાજપના ઉમેદવાર
- કોરોના કાળમાં ભાજપ સરકારે લોકોને મફત અનાજ વિતરણ કર્યું: વિજય પટેલ
ડાંગ/આહવા: ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર આગામી 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ દ્વારા પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. જોકે, ડાંગ વિધાનસભા બેઠક પર ભાજપને ફક્ત એકવાર જ સફળતા મળી હતી. વર્ષ 2007માં ભાજપ તરફથી વિજય પટેલ પ્રથમ વખત ચૂંટાઈને આવ્યાં હતાં.
'ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા કરાયા'
ડાંગ બેઠકના ભાજપનાં ઉમેદવાર વિજય પટેલે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોરોનાની મહામારીમાં ડાંગ જિલ્લા લોકોને સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજનું મફત વિતરમ કરાયું. ખેડૂત સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા કરવામાં આવ્યા. ડાંગમાં વિકાસ કરવામાં ભાજપ હંમેશા આગળ રહ્યું છે.
સ્થાનિક રોજગાર અને જિલ્લામાં કોલેજ નિર્માણને પ્રાથમિકતા: વિજય પટેલ
સ્થાનિકોને રોજગારી અંગે ભાજપના ઉમેદવાર વિજય પટેલે જણાવ્યું કે, ડેરી ડેવલપમેન્ટ થકી લોકોને સ્વરોજગારી મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શિક્ષણ મુદ્દે વિજય પટેલે કહ્યું કે, ડાંગ જિલ્લાની આશ્રમ શાળાઓને અપગ્રેડ કરીને નવી એકલવ્ય શાળાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉપરાંત દર 15 કિમીના અંતરે એક માધ્યમિક શાળા છે. જો ભાજપનાં ઉમેદવાર ફરી ચૂંટાઈને આવશે તો તેઓ જિલ્લામાં માસ્ટર ડીગ્રી તેમજ બીએડ કોલેજની જલદી શરૂઆત થાય તે અંગે પણ પ્રયાસ કરશે.