- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનું નેતૃત્વ કરવા ફેરબદલી કરાઈ
- ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રમુખ તરીકે સ્નેહલ ઠાકરેની નિમણૂંક
- પૂર્વ પાર્ટી પ્રમુખને કાર્યકારી પ્રમુખ બનાવ્યાં
ડાંગ : વર્ષોથી ડાંગ જિલ્લો કોંગ્રેસનો ગઢ રહ્યો હતો. અહીં વર્ષોથી વિધાનસભા સહિત જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનો દબદબો રહ્યો હતો. ગત વર્ષમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ પક્ષની ભારે બહુમતી સાથે વિજય થયા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા તમામ કોંગ્રેસનાં ખમતીધર નેતાઓ ભાજપ પક્ષમાં જોડાઈ ગયા છે.
ડાંગ જિલ્લામાં કોંગ્રેસની સ્થિતિ કથળી રહી છે
આ નેતાઓની સાથે હજારોની સંખ્યામાં તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાઈ ગયા છે. હાલ ડાંગ કોંગ્રેસની સ્થિતિ નબળી બની છે. આ સાથે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકતરફી માહોલ જણાઈ રહ્યો છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડાંગ જિલ્લામાં નવા કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરવામાં આવી છે.
ડાંગ જિલ્લામાં કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખની નિમણૂંક
ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પાર્ટી પ્રમુખ સ્નેહલ ઠાકરેને હાલ કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યાં છે. સ્નેહલ ઠાકરેએ જણાવ્યું હતું કે, તેમને ડાંગ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીનું સંગઠન વધુ મજબૂત કરશે, ભાજપ દ્વારા તેમના નેતાઓને ધાક ધમકીઓ આપીને પોતાના પક્ષમાં જોડવામાં આવ્યાં છે. ભાજપ ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની દરેક સીટ જીતવાનો દાવો કરી રહી છે. જેનાં જવાબમાં તેમને જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત મેળવશે. આ સાથે ડંફ કોંગ્રેસનાં સમર્થકોનો તેમને સહયોગ મળી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
કાર્યકારી પ્રમુખે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતશે તેવી આશા વ્યક્ત કરી
આવનારા સમયમાં ચૂંટણી પ્રચારને વેગ આપી તેમને જિલ્લા અને તાલુકામાં જીત મેળવશે. સ્નેહલ ઠાકરે વર્ષોથી કોંગ્રેસનાં સમર્થક રહ્યા છે. તેમને યુવા મંત્રી, મહામંત્રી તેમજ કોંગ્રેસ પાર્ટી પ્રમુખ જેવી સેવાઓ આપી ચૂક્યા છે. આ ઉપરાંત રાજકીય સુજબૂઝનાં કારણે તેમને બે ટર્મ માટે વિધાનસભા અને એક ટર્મ માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને જંગી બહુમતીથી જીત અપાવી હતી. ડાંગ જિલ્લામાં કોંગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રમુખ તરીકે સ્નેહલ ઠાકરેની નિમણૂંક થતા સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી.