ડાંગઃ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની 70મી જન્મદિવસ નિમિતે દેશભરમાં ભાજપ દ્વારા તા 14થી 20 સપ્ટેમ્બર સુધી વિવિધ સેવાકીય અને જન જાગૃતિના કાર્યક્રમો યોજી સેવાનો એક અદભુત મહાયજ્ઞ થઈ રહ્યો છે. જેમાં ભાજપા સંગઠનના હોદ્દેદારો, રાજ્ય સરકારના પ્રધાનો, વિવિધ ચૂંટાયેલા સભ્યો, સેંકડો કાર્યકર્તાઓ ભાગ લઈને જરૂરિયાતમંદોને વિવિધ સહાય કરી રહ્યા છે.
આ સેવા સપ્તાહ અંતર્ગત રવિવારના રોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા નગરને સ્વચ્છ રાખવા મહત્વનો ફાળો આપતા સફાઈ કર્મીઓનું યુવા મોરચા દ્વારા સંગઠન પ્રભારી અશોકભાઈ ધોરજીયાના અધ્યક્ષ સ્થાને પાર્ટી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા, માજી ધારાસભ્ય વિજયભાઇ પટેલ, મહામંત્રી રમેશભાઈ ગાંગુર્ડે, સંજયભાઈ પાટીલ, ગીરીશભાઇ મોદી, હીરાભાઈ રાઉત સહિતના કાર્યકરો દ્વારા સફાઈ કર્મચારીઓના પગ ધોઈ પુષ્પગુંછ આપી પૂજન કરવામાં આવ્યું હતુ.
ડાંગ ભાજપ દ્વારા ગરીબ સફાઈ કર્મીઓની પૂજન અર્ચન કરી સન્માન કરવામાં આવતા હૃદયદ્રાવક દ્રશ્યો ઉભા થવા પામ્યા હતા, આ પ્રસંગે સફાઈ કર્મીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 70મા જન્મદિનની અનેક શુભકામનાઓ પાઠવી દીર્ઘાયુ માટેની કામના વ્યક્ત કરી હતી.