ડાંગ: જિલ્લાના એક ગામના યુવકને મંગળવારના રોજ શ્વાસ લેવામાં તકલીફ, ગળું સુકાઈ જવું અને ઝીણો તાવ જણાતા તાત્કાલિક 108 મારફતે શામગહાન સી.એચ.સીમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોને તેની તબિયત સારી ન જણાતા સાંજના સમયે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આહવા સિવલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાત્રીના સમયે આ યુવકનું મોત નિપજ્યું હતું. આ યુવકમાં કોરોના વાઈરસનાં શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલ રિપોર્ટ સુરત મેડિકલ કોલેજમાં મોકલાવામાં આવ્યો હતો. જોકે, આ યુવકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
હાલમાં કોરોના વાઇરસના તકેદારીના ભાગ રૂપે કોરના શંકાસ્પદ વ્યક્તિનું મોત થતા વ્યક્તિના પરિવારમાં સભ્યો અને સારવાર આપનાર ડૉક્ટરને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. મૃતક વ્યક્તિના પરિવારના લોકોને 14 દિવસ સુધી હોમક્વોરેન્ટાઇન કરવામાં આવશે. આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સંજય શાહે જણાવ્યું હતું કે, મૃતક વ્યક્તિ મહાદયાભાઈ જાદવ જેઓ પોતાના ખેતરમાં કામ કરતાં હતા. અચાનક શ્વાસ લેવામાં તકલીફ જણાતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, આ વ્યક્તિનું મોત થવા પાછળ સાપ કરડવાનું કે અન્ય કોઈ કારણ હોઈ શકે છે, પણ COVID-19ના લક્ષણો જણાતા આ વ્યક્તિનો રિપોર્ટ સુરત મોકલવામાં આવ્યો હતો, જે નેગેટિવ રિપોર્ટ આવ્યો છે.
ડાંગમાં આ અગાઉ પણ કોરોના શંકાસ્પદ મોટાચર્યા ગામના યુવકને આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બાદમાં આ યુવકનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગ રૂપે યુવકની સાથે અન્ય ચાર સભ્યોને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. ડાંગ જિલ્લામાં અત્યાર સુધી 35 વ્યક્તિઓને હોમકોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. જે વ્યક્તિઓ પર પોલીસ અને આરોગ્ય વિભાગ સતત દેખરેખ કરી રહ્યું છે. ડાંગમાં અત્યાર સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.