ડાંગ: આહવા તાલુકામાં સમાવિષ્ટ બોરખલ ગામ ખાતે પશુ સારવાર માટે નવી ફાળવવામાં આવેલી 108 એમ્બ્યુલન્સનું પશુપાલકોએ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ગતરોજ રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરનાં હસ્તે પશુ સારવાર માટેની 108 એમ્બ્યુલન્સને લોકાર્પણ કરાયું હતું. ત્યારબાદ આજે આહવા તાલુકાનાં બોરખલ ગામે પશુ સારવાર માટે આ 108 એમ્બ્યુલન્સ જતા અહીં બોરખલ ગામનાં પશુપાલક અને અગ્રણી સુમિત્રાબેન દેશમુખનાં હસ્તે નવી કાર્યરત 108 એમ્બ્યુલન્સને શ્રીફળ ધરી પૂજા-અર્ચના કરી સેવા માટે ખુલ્લી મુકાઈ હતી.
આ પ્રસંગે ગામના અગ્રણીઓ તેમજ પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ડાંગ જિલ્લામાં કુલ-09 જેટલી વાન ફાળવવામાં આવેલી છે,જે તમામનો ગતરોજ જિલ્લા સેવાસદન ખાતેથી શુભારંભ કરાયો હતો. હાલમાં છેવાડેનાં જિલ્લામાં પણ પશુધનનાં આરોગ્યની તકેદારી રાજ્ય સરકાર લઇ રહી છે,ત્યારે 1962 નંબર ટોલ ફ્રી નંબર ડાયલ કરવાથી પશુ સારવાર માટે વેટરનરી ડોકટરની ટીમ વાન સાથે દરેક ગામડે ગામડે આવી પહોંચશે અને અબોલ પશુઓની સારવાર કરશે.