ડાંગ: રાજ્ય વન અને પર્યાવરણ પ્રધાન મુકેશભાઇ પટેલે ગિરિમથક સાપુતારાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે અહીં પ્રકૃતિને માણવા આવતા પર્યટકો માટે નવા નજરાણા ધરાવતા 'વન કવચ'નું લોકાર્પણ કર્યુ હતું . વૃક્ષોના જતન સંવર્ધન માટે 'વન કવચ' એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ પૈકીનો એક મહત્વનો ભાગ છે. ટૂંક સમયમાં ઝડપથી અને ખાસ કરીને પ્રવાસન કે અર્બન એરીયામાં વન ઉભું કરી શકાય તે માટે જાપાનીસ, મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને 'વન કવચ' તૈયાર કરવામા આવે છે. જેમા મિયાવાકી પદ્ધતિનો ઉચ્ચસ્તરીય, મધ્યમસ્તરીય અને નિમ્નસ્તરીય એવી રીતે વૃક્ષોની જાતો પસંદ કરીને તેનુ વાવેતર કરવામાં આવે છે.
'વન કવચ'ની વિશેષતા: અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની સુચના મુજબ દક્ષિણ ડાંગ વન વિભાગની શામગહાન રેંજમાં આવતા ગિરિમથક સાપુતારા ખાતે, ઇકો પોઇન્ટ પાસે “વન કવચ” બનાવવામા આવ્યુ છે. આ “વન કવચ”નો કુલ હેક્ટર વિસ્તાર 1.00 છે. આ વિસ્તારમા કુલ 10,000 રોપાનુ વાવેતર કરવામાં આવ્યુ છે. તેમા કુલ 70 જેટલી વૃક્ષોની જાતોનું વાવેતર કરેવામા આવ્યુ છે.
'વન કવચ'ની ખાસિયત: અહીં લોકો સહેલાઇથી ફરી શકે તે માટે વન કેડી પણ બનાવવામાં આવી છે. તથા ગજેબો પણ તૈયાર કરાયો છે. સાપુતારા 'વન કવચ' થી અહિં તળાવના ખુબ જ આહલાદક દ્રશ્ય નજરે પડે છે. 'વન કવચ' ના વૃક્ષો અંગે લોકોની સમજ માટે નકશા સાથે ટુંકી નોંધણી તકતીઓ પણ મુકવામા આવી છે. ટુંક સમયમાં ઝડપથી ખુલ્લા વિસ્તારને વન વિસ્તારમાં ફેરવી શકાય, અને નાના નાના વનો થકી વન ગીચતામાં વધારો કરી શકાય તે હેતુ થી 'વન કવચ'નુ વાવેતર ખુબ જ સફળકારક રહ્યું છે.
આ 'વન કવચ' થકી જૈવ વિવિધતામાં વધારો થશે, અને પક્ષીઓ માટે નવુ આશ્રય સ્થાન બનશે. 'વન કવચ' ઉપરાંત મંત્રી મુકેશભાઇ પટેલે સાપુતારા ખાતે વલસાડી સાગના લાકડામાંથી બનેલા લોગહટનુ પણ લોકાર્પણ કર્યુ હતુ. વર્ષ 1979-80મા બનેલુ આ લોગહટ જર્જરીત થવાના કારણે તેનુ રીનોવેશન કરવામા આવ્યું છે. લોગહટ જે હેરીટેજની ભવ્યવતા જળવાઇ રહે તે માટે વન વિભાગ દ્વારા ફરીથી તેને રીનોવેટ કરવામા આવ્યું છે.