ડાંગઃ કોરોના મહામારીને લઈને સરકાર દ્વારા વિવિધ ગાઇડલાઇન જાહેર કરવામાં આવેલી છે. જેને પગલે વિવિધ ધાર્મિક,સામાજિક મેળાવડા તેમજ તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે ખેડા જિલ્લામાં તંત્ર દ્વારા ગણેશ વિસર્જનમાં સરકારી ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા કહ્યું છે. પરંતુ કોઇ પ્રકારની તેની વ્યવસ્થા કરવામાં આવી નથી.
ગણેશ મહોત્સવના તહેવાર દરમિયાન શાંતિ અને સલામતી પૂર્વક શોભાયાત્રા તેમજ ગણેશપ્રતિમા વિસર્જિત થાય તે માટે પોલીસ તંત્ર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા પ્રતિવર્ષ પોલીસ બંદોબસ્ત સહિતનું વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. લોકોની સુવિધા તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે તંત્ર દ્વારા દર વર્ષે આયોજન થતું હોય છે. પરંતુ આ વર્ષે સરકાર દ્વારા કોરોના મહામારીને પગલે તમામ જાહેર ઉજવણી સભા-સરઘસ, શોભાયાત્રા પર પ્રતિબંધ ફરમાવામાં આવી છે. ત્યારે ગણેશ વિસર્જન અંગે ખેડા જિલ્લામાં તેમજ નડિયાદ શહેરમાં કોઈપણ પ્રકારની તૈયારીઓ કરવામાં આવેલ નથી. તંત્ર દ્વારા લોકોને સરકારી ગાઈડલાઈનને ચુસ્ત રીતે અનુસરીને ગણેશ વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે.
પ્રતિવર્ષ નડિયાદ શહેરમાં કોલેજ રોડ પર આવેલી મોટી નહેર ખાતે ગણેશ પ્રતિમાઓ વિસર્જિત કરવામાં આવતી હોય છે. જ્યા તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે.પરંતુ આ વર્ષે કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. જોકે તેમ છતાં લોકો દ્વારા પોતાની રીતે નહેરમાં ગણેશમૂર્તિ વિસર્જિત કરવામાં આવી રહી છે.