- ' આઝાદી કા અમૃત મહોત્સવ ' નિમત્તે કાર્યક્રમનું આયોજન
- વઘઇ તાલુકાના દગુનિયા ગામમાં યોજાયો હતો વર્કશોપ
- ખેડૂતોને સેન્દ્રિય ખેતી પદ્ધતિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું
ડાંગ: જિલ્લામાં ખરીફ પાકોના વાવેતરની પૂર્વ તૈયારી ચાલુ થઈ ગઈ છે. જેને ધ્યાને લેતા 'આઝાદી કા અમૃત મહોત્સવ' નિમત્તે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ (ડાંગ) દ્વારા તાજેતરમાં પી.કે.વી.વાય. યોજના અંતર્ગત વઘઇ તાલુકાના દગુનીયા ગામમાં "પ્રી ખરીફ વર્કશોપ" નું આયોજન કરવામાં આવ્યું હતું.
ખેડૂતોને ચોમાસામાં થતી સેન્દ્રિય ખેતી પદ્ધતિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું
ડાંગ જિલ્લામાં ચોમાસામાં થતા પાકોની સેન્દ્રિય ખેતી પદ્ધતિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. પી.પી. જાવિયા દ્વારા સેન્દ્રિય પ્રવાહી ખાતરો તેમજ જૈવિક ફૂગ નાશકોનું ખેતી પાકોમાં મહત્વ અને ઉપયોગિતાની સમજ આપવામાં આવી હતી. કેન્દ્રના વૈજ્ઞાનિક એસ.એન. ચૌધરી દ્વારા ખરીફ ઋતુના પાકોનું આયોજન અને વ્યવસ્થાપન તેમજ હવામાન આધારિત ખેતીમાં થતું નુક્સાન ઓછું કરવા માટે જરૂરી સૂચનો રજૂ કર્યા હતા. વૈજ્ઞાનિક જે.બી. ડોબરીયા દ્વારા ખરીફ પાકોમાં બીજ-માવજતથી લઈને કાપણી સુધીની સેન્દ્રિય વૈજ્ઞાનિક ભલામણ કરીને મૂલ્યવર્ધન દ્વારા આવી ઓર્ગેનિક ખેતપેદાશોનો સારો ભાવ લેવા નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા ઇ-માર્કેટ પ્લેસ પર નોંધણી કરવા માટેનું માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યું હતું.
વર્કશોપમાં ખેડૂતોને પ્રેક્ટિકલ સમજણ આપવામાં આવી
આ વર્કશોપમાં ખેડૂતોને ટ્રાયકોડર્માં સાથે જરૂરી ફોલ્ડરનું વિતરણ કરીને તેના ઉપયોગની પ્રેક્ટ્રિકલ સમજણ પણ આપવામા આવી હતી. કાર્યક્રમમાં ખેડૂતભાઈઓ સેન્દ્રિય ખેતી કરવા કટિબદ્ધ થયા હતા. કાર્યક્રમને સફળ બનાવવામા કે.વી.કે., વઘઈની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કે.વી.કે.ના વડા ડો. જી.જી. ચોહાણે આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી.