ડાંગઃ કોરોના કારણે જાહેર કરેલા લોકડાઉનના ચુસ્ત અમલ સંદર્ભે ડાંગ કલેક્ટર એન.કે.ડામોરે વહીવટી તંત્રના તમામ અધિકારી/કર્મચારીઓને ફરજીયાત હેડ કવાર્ટર સાથે બેઠ યોજી હતી. જેમાં આરોગ્યલક્ષી સુવિધા અને સ્વચ્છતા સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.
ડાંગ જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરી કલેકટર ડામોરે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ દ્વારા એકશન પ્લાન તૈયાર કરી હવે દરેક તાલુકાના ૨૦ ગામોને પસંદ કરી ત્યાંથી શરદી-ખાંસી-તાવના લક્ષણો ધરાવતા દર્દીઓને શોધી તેમના રીપોર્ટ કઢાવવા જેથી કોરોના વાઇરસના લક્ષણો કદાચ સાયલન્ટ મોડમાં હોય તો તેના સંક્રમણને આપણે ટાળી શકીએ અને ચિંતામુક્ત બની શકીએ.
જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં સ્ક્રીનીંગ દરમિયાન આપણાં જિલ્લામાં એકપણ કેસ પોઝિટીવ નથી આવ્યો છતા તકેદારીના ભાગરૂપે રોજગારી અર્થે બહાર ગયેલા ગયેલા લોકોની ફરી ચકાસણી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. શરદી-ખાંસી કે તાવના લક્ષણો ધરાવતા લોકોને અલગ તારવી તેઓની સિવિલ હોસ્પિટલ આહવામાં ચકાસણી કરવામાં આવે.
નિવાસી અધિક કલેક્ટર ટી.કે.ડામોરે જણાવ્યું હતું કે, 311 ગામોમાં કુલ 10 PHC આવેલી છે જ્યાં સેકટરવાઈઝ નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. તમામ સ્થળોએ વર્ગ-2ના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. પાણીપુરવઠા,વિજળી સહિત તમામ અધિકારીઓએ તેમનો એકશન પ્લાન તૈયાર રાખવાનો રહેશે.
કોરોના વાઇરસની આ સમીક્ષા બેઠકમાં નાયબ વન સંરક્ષક અગ્નૈશ્વર વ્યાસ,ડી.એન.રબારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.સંજય શાહ, ઈ.ચા.સિવિલ સર્જન ર્ડા.રશ્મિકાંત કોંકણી, જિલ્લા નોડલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ડી.આર.અસારી,પ્રાયોજના વહીવટદાર કે.જી. ભગોરા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જે.કે.પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી જિલ્લાની કોરોનામુક્ત બનાવી રાખવા કટીબધ્ધતા વ્યક્ત કરી હતી.