આહવા: ડાંગ જિલ્લો 100 ટકા આદિવાસી વિસ્તાર ધરાવે છે અને આદિવાસીઓના ઘરોમાં લાકડા,વાંસ,માટી,પથ્થર જેવી વસ્તુઓનો ઉપયોગ જોવા મળતો હોય છે.
આદિવાસી લોકો કાચું મકાન, ઝુપડું બનાવવામાં લાકડા, વાંસ, પાદડા, માટી, પથ્થર જેવી જંગલમાંથી પ્રાપ્ત થતી વસ્તુઓનો ઉપયોગ કરી રહેવા લાયક ઘર બનાવી તે ઘરમાં વસવાટ કરી જીવન પસાર કરતા હોય છે.આદિવાસી લોકો આદિકાળથી જંગલ પ્રકૃતી સાથે સંકળાયેલા જોવા મળે છે, તથા જંગલમાંથી પ્રાપ્ત થતી ગૌણ વનપેદાશો ફળ,ફૂલ, ભાજી વગેરે જેવી વસ્તુઓનો આદિવાસી લોકો વધુ સારી રીતે ઉપયોગમાં લેતા હોય છે.

આદિવાસી લોકો મોટાભાગે પોતાનું ઘર બનાવવામાં જંગલ ઉપર આધાર રાખે છે.ત્યારે આદિવાસી લોકો ઉપર અત્યાચાર ગુજારનાર ઉત્તર વન વિભાગ હસ્તકના સિંગાણા રેંજના RFO હાલમાં પોતાનો રોફ જમાવી સુબિર તાલુકામાં આદિવાસી લોકોના હક છીનવી રહ્યા છે.
ઉત્તર ડાંગ વન વિભાગ શિંગાણા રેંજના RFO કેયુર પટેલ જે આદિવાસી લોકો જંગલમાં બળદ ચરાવવા તેમજ ઘર વપરાશ માટે સૂકુ લાકડુ અને ઘાસ જેવી વસ્તુઓ લેવા જતા હોય તેવા લોકોને કેયુર પટેલ દ્વારા જાતી વિષયક ગાળો બોલી,જંગલમાં જ મારી નાંખવા ધમકી અને કાયદાઓ વિરુદ્ધ માર મારવો તેમજ ગામમાં આવી ધમકી આપવા જેવી અનેક બાબતો સામે આવી હતી. જેથી ભોગ બનનાર તમામ આદિવાસી લોકોએ ન્યાય માટે પ્રધાન ગણપત વસાવા સમક્ષ રૂબરૂમાં હાજર રહી હાથોહાથ અરજીઓ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માગ કરી છે.

થોડા દિવસો અગાઉ કસાડબારી ગામના યુવકને વનવિભાગના કર્મચારીઓ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો. શિંગાણા RFO દ્વારા લોકો ઉપર અત્યાચાર બંધ કરવામાં આવે તેમજ તેના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા બાબતે સુબીર તાલુકાના લોકોએ વન અને આદિજાતી પ્રધાન ગણપત વસાવાને હાથો હાથ અરજી આપી તપાસની માગણી કરી હતી.