ડાંગઃ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ચીકટિયા નજીક નવસારીથી માલેગામ મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરનારાઓને આહવા પોલીસ અને સ્થાનિક યુવાનોએ પકડી પાડ્યા હતા. જેથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. આહવા પોલીસે પશુ સહિત મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આહવા L.C.B પોલીસનાં P.S.I. પી.એચ.મકવાણા અને પોલીસ કર્મીઓની ટીમે આહવાથી વઘઇને સાંકળતા સ્ટેટ ધોરીમાર્ગ ઉપર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન વઘઇ આહવા માર્ગ ઉપરના ચીકટીયા ગામ નજીકથી પસાર થઈ આઇસર ટેમ્પો અટકાવી તપાસ હાથ ધરતા ટેમ્પાની અંદર 7 જેટલી ભેંસો હતી. આહવા એલ.સી.બી.પોલીસની ટીમે આઇસર ટેમ્પા સહિત તેમાં સવાર 3 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે અન્ય એક કિસ્સામાં આહવા નગરના જાગૃત યુવાનોમાં સંજય પાટીલ, સુરેશભાઈ નાયર, અમર જગતાપને મળેલી બાતમીના આધારે યુવાનોએ વોચ ગોઠવી હતી અને આહવા ફોરેસ્ટ ચેકપોસ્ટ પરથી બે પિકઅપ પસાર થઈ રહી હતી, જેની તપાસ કરતા પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરતા 3 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.