- "અનામી પારણુ" : માનવીય સંવેદનાને ઉજાગર કરતી પહેલ
- 'અનામી પારણુ' જન્મતા વેંત જ જનેતા દ્વારા ત્યજી દેવાયેલા બાળકો માટે છત્રછાયા બનશે
- અનિચ્છનીય નવજાત શિશુને કોઈ પાલનહારના હવાલે કરી નવજીવન આપી શકાશે
આહવાઃ સમાજમાં ક્યારેક તાજા જન્મેલા સંતાનોને પોતાની જનેતા દ્વારા જ ક્યાંક અવાવરુ જગ્યાએ, કે ઉકરડા ઉપર ત્યજી દેવાના કિસ્સાઓ સામે આવે છે, ત્યારે શરીરમાં એક કમકમાટી વ્યાપી જાય છે. મન અને મસ્તિસ્કના જ્ઞાનતંતુઓ પણ ઘડી બેઘડી શિથિલ થઈ જાય છે.જ્યારે કળ વળે ત્યારે લાગણીશીલ માનવીનુ મન વિચારોની ઊંડી ગર્તામા સરી પડે છે. આખરે આવુ કેમ ? જે માતા છેક નવ માસથી પોતાના ઉદરમા તેના સંતાનને ઉછેરે છે, તેણે જ તેને જન્મતા વેંત તરછોડવુ પડે છે ?
![આહવાની જનરલ હોસ્પિટલમા મુકાયુ 'અનામી પારણુ'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dang-01-hospital-vis-gj10029_01042021155321_0104f_1617272601_195.jpg)
લાચારી અને નિર્દયીને કારણે ત્યજી દીધેલાં બાળકો માટે સરકારે નિર્ણય લીધો
કારણ ભલે જે હોય તે પરંતુ સમાજ માટે શરમજનક કહી શકાય તેવી ઘટનાઓ ભવિષ્યમા ના ઘટે અને લાચારી કે નિર્દયતાને કારણે આવા ત્યજી દેવાયેલા નવજાત શિશુઓનુ અમૂલ્ય જીવન બચાવી શકાય તેવા માનવીય અભિગમ સાથે સંવેદનશીલ રાજ્ય સરકારે ઠેર ઠેર 'અનામી પારણુ' મુકવાનુ અભિયાન આદર્યું છે. જેના ભાગ રૂપે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતેની સિવિલ હોસ્પિટલમાં પણ આવુ જ એક 'અનામી પારણુ' મુકવામાંં આવ્યુ છે. અહીં એવી મજબૂર, લાચાર કે પછી અનિચ્છનીય સંતાનની માતા, પિતા કે તેમના વાલીઓને પોતાના સંતાનને અવાવરુ જગ્યાએ, કે ઉકરડા ઉપર ત્યજી ન દેતા, અહી ઉપલબ્ધ છત્રછાયા તળે મૂકી જવાની તક મળી રહેશે. જેથી કોઈ અનિચ્છનીય નવજાત શિશુને કોઈ પાલનહારના હવાલે કરી નવજીવન આપી શકાશે.
આ પણ વાંચોઃ પોરબંદરની રૂપાળીબા હોસ્પિટલમાં શિશુ સ્વાગત કેન્દ્ર ખુલ્લુ મુકાયું
ત્યજી દીધેલાં બાળક જુવેનાઇલ જસ્ટીસ એકટ મુજબ પુન: સ્થાપન કરાશે
સંવેદનશીલ રાજ્ય સરકારના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા શરૂ કરાયેલી આ યોજના હેઠળ ત્યજી દેવાયેલા નવજાત શિશુઓને જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-2015 મુજબ દત્તક આપવાની પ્રક્રિયા હેઠળ તેનુ પુન:સ્થાપન કરી તેનો ઉછેર કરવા ઇચ્છુક વાલીઓને સોંપવામાં આવશે, તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચિરાગ જોશીએ પૂરક વિગતો આપતા જણાવ્યુ હતુ.
![આહવાની જનરલ હોસ્પિટલમા મુકાયુ 'અનામી પારણુ'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dang-01-hospital-vis-gj10029_01042021155321_0104f_1617272601_382.jpg)
કાર્યક્રમમા જિલ્લાનાં આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યાં
આહવાની સિવિલ હોસ્પિટલ ખાતે 'અનામી પારણુ' મુકવાના આ સંવેદનસભર કાર્યક્રમમાં અધિક્ષક ડો.રશ્મિકાંત કોકણી, આર.એમ.ઓ. ડો.રિતેશ બ્રહ્મભટ્ટ, નર્સિંગ સ્ટાફ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જીગ્નેશ ચૌધરી, જિલ્લા બાળ સુરક્ષા એકમની સમગ્ર ટીમ, ચાઈલ્ડ લાઇન-1098 ની ટીમ વગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી.
આ પણ વાંચોઃ ગીર- સોમનાથની વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે નવજાત શિશુ માટે અનામી પારણું કાર્યરત