- કોરોનાના વધતા કેસોને લઈ બાર એસોસિએશનનો નિર્ણય
- બાર એસોસિએશન ડાંગના સભ્યોની કારોબારી મિટિંગ મળી હતી
- નોટરી વકીલોએ આસપાસ ભીડ એકત્રિત ન થવા દેવી
ડાંગઃ કોરોનાની મહામારીમાં વણસી રહેલી સ્થિતિને ધ્યાનમાં લઈ આહવા બાર એસોસિએશન ડાંગની કારોબારી મિટીંગ યોજાઈ હતી. જેમાં કોરોનાની તકેદારી અંગે ચર્ચા વિચારણા કરી સર્વાનુમતે ઠરાવો કરી ડિસ્ટ્રીક્ટ કોર્ટ તથા તાબા હેઠળની કોર્ટ સહીત કલેક્ટરને નકલ સુપ્રત કરી રજૂઆત કરી હતી.
વકીલો દ્વારા કરવામાં આવ્યો હતો ઠરાવ
કોરોનાની વણસી રહેલ સ્થિતિને ધ્યાનમાં લઈ આહવા બાર એસોસિએશન ડાંગનાં સભ્યોની કારોબારી મિટિંગ મળી હતી.જે કારોબારી મિટિંગમાં સભ્યોએ ઠરાવ પસાર કરી જણાવ્યુ હતું કે, કોરોનાની વણસી રહેલી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 1-04-2021નાં રોજથી 11.00 કલાકનાં સમયગાળામાં કોર્ટ પરિસરમાં ભીડ, ટોળુ ટાળવાનાં હેતુસર અરજન્ટ કામ સિવાયનાં કેસોથી અળગા રહેવાનો ઠરાવ કર્યો હતો. આ સાથે જ જામીન, રિમાન્ડ, આંક-5, મુદ્દામાલ, સિવાયની તમામ મેટરો, કેસો, રેવન્યૂ રેકોર્ડથી પણ અળગા રહેવાનો ઠરાવ કર્યો હતો. તેમજ લોકડાઉન સમયના કેસો, પ્રોહિબીશનના કેસોમાં પક્ષકારોને ન બોલાવવા, તારીખ આપવા અને નવા સાક્ષીઓના સમન્સ ન કાઢવા, પ્રર્વતમાન તમામ નવા કેસોના સાક્ષીઓને ન બોલાવવા, સ્ટેજ બંધ ન કરવા, તથા વોરંટ ન કાઢવા માટે કોર્ટને વિનંતી કરી ઠરાવ કર્યો છે. વકીલો દ્વારા કરવામાં આવેલા ઠરાવમાં જણાવ્યું હતું કે સંક્રમિત હોય અથવા તાવ, ખાંસી, કફ, શરદી, શરીરમાં બળતરા, ગળાનું ઇન્ફેક્શન હોય તો વકીલોને અને અસીલોને કોર્ટ પરિસરમાં ન આવવા માટે જણાવ્યું છે.
આ પણ વાંચોઃ AMCએ ભીડ એકઠી થાય તેવી બજાર સામે કાર્યવાહી કરી
કોર્ટમાં ભીડ એકત્ર ન કરવા ઠરાવ રજૂ કરી નકલ કલેક્ટર ને પાઠવી
નોટરી વકીલોએ આસપાસ ભીડ એકત્રિત ન થવા દેવી અને સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે અમલ કરવો. આહવા બાર એસોસિએશન દ્વારા કોરોના પરિસ્થિતિને ધ્યાને લેતાં જિલ્લા બહારથી આવતા વકીલોને આહવા કોર્ટ પરિસરમાં ન આવવાના સૂચનો કર્યાં હતા. આહવા બાર એસોસિએશન ડાંગ દ્વારા મિટિંગમાં કરાયેલી ચર્ચા વિચારણા બાદ ઠરાવોની નકલ ના.ડિસ્ટ્રીક્ટ કોર્ટ, તાબા હેઠળની તમામ કોર્ટ સહીત કલેક્ટર ડાંગને નકલ સુપ્રત કરી રજૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ ભદ્ર વિસ્તારમાં લોકોની ભારે ભીડ, કોરોનાના કેસમાં ધરખમ વધારો