ડાંગ: કોરોનાના કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિને અનુલક્ષીને રાજ્યભરની શાળાઓના વિદ્યાર્થીઓને ઘરબેઠા જ શિક્ષણ આપી શકાય તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરીના ભાગરૂપે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતેની સરકારી માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શાળાના 1,110 વિદ્યાર્થીઓને ગુરુજનો દ્વારા સ્ટડી મટીરીયલ અને ટેસ્ટ મટીરીયલ પહોચાડવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાની સૌથી મોટી સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-આહવામાં અભ્યાસ કરતા માધ્યમિક વિભાગના 603 અને ઉચ્ચ માધ્યમિક વિભાગના 507 મળી કુલ 1,110 વિદ્યાર્થીઓને શાળા આચાર્ય જી.આર.ગાંગોડા તથા સુપરવાઈઝર પી.બી.ટંડેલના માર્ગદર્શન હેઠળ શાળા શિક્ષકો દ્વારા શૈક્ષણિક મટીરીયલ સાથે પરીક્ષાલક્ષી સામગ્રી પહોચાડવામાં આવી છે. સાથે સાથે રાજ્ય સરકારની સુચના અનુસાર આ વિદ્યાર્થીઓને ઓનલાઈન/વર્ચ્યુઅલ ક્લાસરૂમના માધ્યમથી શિક્ષણ આપી પરીક્ષા માટે તૈયાર કરવામાં આવ્યા છે.