ડાંગ જિલ્લામાં આવેલા છેવાડાના સુબીર તાલુકામાં આવેલ બીલીઆંબા પ્રાથમીક શાળાના બાળકોએ રમત ગમત ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે. આ વર્ષે યોજાયેલ ખેલ મહાકુંભ 2019માં શાળામાંથી બાસ્કેટ બોલ , રસા ખેંચ અને ખો-ખોમાં ભાઈઓ અને બહેનો મળી કુલ 6 ટીમે રાજયકક્ષામાં ભાગ લીધો હતો.
ખો-ખોની સ્પર્ધા વલસાડ જિલ્લાના સરીગામ ખાતે યોજાઈ હતી. જ્યાં આ શાળાના બાળકો ખો-ખોમાં શાનદાર દેખાવ કરી ફાઇનલ મેચમાં ભરૂચ ટીમને હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ સાથે અંડર 17 સ્પર્ધા ભરૂચ જિલ્લાના માંડવી ખાતે યોજાઈ હતી. જે સ્પર્ધામાં માધ્યમિક શાળાના બાળકોએ સિલ્વર મેડલ મેળવી શાળા, ગામ અને ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
આ સિદ્ધિઓ બદલ ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળાના શિક્ષકો તેમજ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ શાળામાંથી છેલ્લા 2010 થી 2019 સુધી 36 ખેલાડીઓ ગુજરાતની ટીમમાં પસંદ થઈ રાષ્ટ્રીય કક્ષાએ રમી ચુક્યા છે. તેમજ માળવી પરેશભાઈ સેગાભાઈએ ભારત દેશમાં 50 ખેલાડીઓમાં પસંદગી પામી ખ્યાતના મેળવી ગુજરાત તેમજ ડાંગ જિલ્લાની સાથે સાથે શાળા અને ગામનું નામ રોશન કર્યું છે.