ગુજરાતની પેનલ અને મહારાષ્ટ્રની પેનલ વચ્ચે લોકલ બોર્ડની ૩૦ બેઠકોની ચૂંટણી યોજાઇ હતી. જે પૈકી ૨૬ બેઠકો ગુજરાતની પેનલને મળી. જેના બાદ રચાયેલા લોકલ બોર્ડમાં નવા પ્રમુખ તરીકે છોટુભાઇ નાયકના સાન્નિધ્યમાં ડાંગ પ્રદેશ ગુજરાત સાથે જોડાશે તેવો ઠરાવ થયો. આ ઠરાવના વિરોધમાં ડાંગ જિલ્લા લોકલ બોર્ડના ચાર સભ્યો કે, જેઓ ડાંગ પ્રદેશ મહારાષ્ટ્ર સાથે જોડાય તેમ ઇચ્છતા હતા, તેમણે સભા ત્યાગ કરી તેમનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ગુજરાત પેનલમાંથી ચૂંટાયેલા કાર્યકરો પૈકી 10 કાર્યકરો ગુજરાતના હતા અને 16 કાર્યકરો સ્થાનિક આદિવાસી હતા. આ આદિવાસી કાર્યકરોને પલટાવવા માટે ખુબ જ પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ સોળેસોળ કાર્યકરોએ જરા પણ ડગ્યા વિના, ગુજરાત સાથે જોડાવાના તેમના ઇરાદાને નિભાવ્યો.
આ ખટપટ ઇ.સ.૧૯૬૦ સુધી ચાલી. દરમિયાન ડાંગના કાર્યકરોએ રાષ્ટ્રીય આગેવાન જવાહરલાલ નહેરૂને મળી ડાંગની પરિસ્થિતિથી તેમને વાકેફ કર્યા. પંડિતજી સમજ્યા ત્યાર બાદ તત્કાલિન રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ સાથે પણ મુલાકાત ગોઠવાઇ. આખરે ડાંગ ગુજરાતમા જોડાય એવુ નક્કી થયું અને સને ૧૯૬૦ની ૧લી મેનાં દિવસે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થતાં ડાંગ પ્રદેશ ગુજરાત સાથે જોડાયો.
રાજકિય ખટપટની સાથે સાથે ગુજરાત, મહારાષ્ટ્ર વિભાજનની કેટલીક વહિવટી પ્રક્રિયા પણ સમાંતરે ચાલી રહી હતી. આ કાર્યવાહીના ભાગરૂપે ગુજરાત/મહારાષ્ટ્રની સરહદ ઉપર આવેલા ગિરિમથક સાપુતારા ખાતે એક ખુલ્લી ટેકરી ઉપર તે વખતના રાજ્યના ઉચ્ચ વહિવટી અધિકારીઓના કાફલા સાથે રાજ્યપાલશ્રીની ટીમ પણ પધારી હતી. જ્યાં સ્થળ નિરિક્ષણ કરી આ ટીમે નવા સીમાંકનો નક્કિ કર્યા હતા. સાપુતારાના આ ઐતિહાસિક સ્થળને આજે આપણે 'ગવર્નર હીલ' તરીકે ઓળખીએ છીએ.
ગુજરાત રાજ્યના દક્ષિણ છેડે ૧૭૭૮ ચો.કિ.મી.નો વિસ્તાર ધરાવતો નાનકડો ડાંગ જિલ્લો સહ્યાદ્રિ પર્વતની ઉત્તર છેડે આવેલી હારના, પશ્વિમી ઢોળાવ ઉપર આવેલો છે. ડાંગ જિલ્લાની ઉત્તરે તત્કાલિન સુરત (હાલનો તાપી જિલ્લો) જિલ્લાનો વ્યારા, અને સોનગઢ તથા મહારાષ્ટ્ર રાજ્યનો નવાપુર તાલુકો આવેલા છે. પૂર્વમાં તત્કાલિન ધૂલિયા (હાલનો નંદુરબાર જિલ્લો) જિલ્લાનો સાકરી તથા નાસિક જિલ્લાના બાગલાણ, અને કળવણ તાલુકાઓ, દક્ષિણે નાસિક જિલ્લાનો કળવણ, અને સુરગાણા તાલુકો, તથા પશ્ચિમે તત્કાલિન વલસાડ (હાલનો નવસારી જિલ્લો) જિલ્લાનો વાંસદા તાલુકો આવેલા છે.
સમગ્ર જિલ્લો ડુંગરાળ પ્રદેશ છે. સમુદ્ર સપાટીમાં ધણી જગ્યાઓ ઉપર ૧૦પ મીટરથી લઇને ૧૩૧૭ મીટર સુધીની ઊંચાઇમાં ફેરફાર થાય છે. ટેકરીઓ/ડુંગરો અને ખીણો સાથે પડમાં પડ દર્શાવતો, અને કુદરતે જ્યાં છૂટે હાથે સૌંદર્ય વેર્યું છે, તેવો નયનરમ્ય પ્રદેશ ખરેખર નિસર્ગની એક અપ્રતિમ મહામૂલી ભેટ છે. નયનરમ્ય વનરાજીથી છલકાતા, આંખોને ઠારી દેતા મનભાવન, હૃદયગમ્ય એ પ્રદેશનું નામ છે ડાંગ... ડાંગ એટલે જંગલ. ડાંગ એક સળંગ જંગલ છે. જંગલ ડાંગની એક અમૂલ્ય મૂડી છે. આખાય ગુજરાતમાં ડાંગનું જંગલ સમૃદ્ધ જંગલ ગણાય છે. જંગલ માટે જ પ્રસિદ્ધ ડાંગનો સાગ બ્રહ્મદેશ તથા કર્ણાટકના સાગ કરતા જરાય ઉતરતી કક્ષાનો નથી.
ડાંગના જંગલમાં સાગ ઉપરાંત અન્ય ઝાડોમાં સાદડ, સીસમ, હળદર, બહેડા, કલમ, તણછ, પીપળ, ખાખર, મોદળ, ખેર, ગારમાળ, કાંટી, આમળા, મહુડા વિગેરે વિવિધ પ્રકારના વૃક્ષો થાય છે. જેની કરોડો રૂપિયાની આવક, રાજ્ય સરકારની તિજોરીમાં જમા થાય છે. જે ડાંગ સહિત સમગ્ર રાજ્યના વિકાસમાં વાપરવામાં આવે છે.