ડાંગ : જિલ્લાનાં વઘઇ નજીક આવેલા ગીરાધોધ જે કોરોનાની મહામારીના પગલે બંધ હાલતમાં સુમસામ બની ગયો હતો. આ ગીરાધોધને અનલોક 5નાં સરકારની ગાઈડલાઈન અંતર્ગત પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવાનો નિર્ણય લેવાતા પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓમાં ખુશીની લહેર છવાઈ જવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સાત મહિનાથી ડાંગ જિલ્લાનાં પ્રવાસન સ્થળો બંધ હાલતમાં રહેતા ઠપ્પ થઈ જવા પામ્યા હતા. ચોમાસાની ઋતુમાં બંધ હાલતમાં વઘઇનો ગીરાધોધને હાલમાં અનલોક 5માં ખુલ્લો મૂકવામાં આવતા આવનાર દિવસોમાં પ્રવાસીઓ નયનરમ્ય નજારો માણી શકશે.
ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓથી ઉભરાતો ગીરાધોધને ડાંગ વહીવટી તંત્રની ટીમે સરકારની ગાઈડલાઈન મુજબ અમુક છૂટછાટ સાથે ખુલ્લો મુકવામાં આવતા પ્રવાસીઓમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી છે. ડાંગ જિલ્લાનાં સાપુતારા સહિત ગીરાધોધને પણ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવતા લોકડાઉનમાં ઠપ્પ થયેલ નાનકડા ધંધા વ્યવસાય પાટા ઉપર આવશે અને સ્થાનિક કક્ષાએ રોજગારી પણ ઉપલબ્ધ થશે જેમાં બેમત નથી.