- ડાંગના ગીરા ધોધ ખાતે લોકાર્પણ કાર્યક્રમ
- સોવેનિયર શોપ સંકુલનું ગણપત વસાવે લોકાર્પણ કર્યું
- 32 દુકાનો ના માધ્યમથી પર્યટકોને સુવિધા મળશે
ડાંગ : જિલ્લાના 'નાયગ્રા ધોધ' તરીકે ઓળખાતા વઘઇ નજીકના આંબાપાડા ગામના 'ગીરાધોધ'ની મુલાકાતે આવતા હજ્જારો પર્યટકોને સ્થાનિક ચીજવસ્તુઓ સહિત ખાણીપીણીની સુવિધાઓ પણ મળી રહે છે. તે સાથે જ સ્થાનિક ગ્રામજનોને ઘરઆંગણે જ રોજગારી ઉપલબ્ધ કરાવી શકાય છે. ડાંગની 'અતિથિ દેવો ભવ'ની સંસ્કૃતિ અને સંસ્કારને પણ ઉજાગર કરી શકાય તે માટે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા રૂપિયા 2.15 કરોડના ખર્ચે 32 જેટલી દુકાનોનું આજે લોકાર્પણ કરાયુ છે. તેમ વન પ્રધાન ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું.
સ્થાનિક લોકોને રોજગારી મળશે
ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા વનપ્રધાને દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા 'ગીરાધોધ પરિસરીય પ્રવાસન વિકાસ સહકારી મંડળી-આંબાપાડા'ને આ દુકાનોનું પી.પી.પી. ધોરણે સંચાલન સોંપીને 32 પરિવારોને સીધી રોજગારી આપી છે. કુદરતી સૌંદર્ય ધરાવતા આ સ્થળની ગરિમા જાળવવા સાથે, અહીં આવતા પ્રવાસીઓની સુરક્ષા બાબતે પણ સૌને સચેત રહેવાનો અનુરોધ કર્યો હતો.
પ્રદુષણ મુક્ત પર્યાવરણ બનાવવા પ્રધાને અપીલ
વન વિસ્તારમાં પ્રવાસે આવતા પ્રવાસીઓને વન જતન અને સંવર્ધનના કાર્ય માટે પ્રોત્સાહિત કરવા સાથે જ સમગ્ર ડાંગ જિલ્લાને વન વિભાગે 'નો પ્લાસ્ટિક ઝોન' જાહેર કર્યો છે. ત્યારે અહીંના પર્યાવરણને કોઈ નુકશાન ન પહોંચે તેની તકેદારી દાખવવા પણ પ્રધાને અપીલ કરી છે.
ધારાસભ્ય દ્વારા રસી લેવા અનુરોધ કરાયો
ગીરાધોધ ખાતે 'સોવેનિયર શોપ સંકુલ'ના લોકાર્પણ કાર્યક્રમ વેળા ડાંગના ધારાસભ્ય વિજય પટેલે સ્થાનિક વેપારી પરિવારોને પર્યટકો સાથે તાદાત્મ્યતા કેળવી તેમના વેપાર ધંધાના વિકાસ સાથે ડાંગ જિલ્લાના આતિથ્ય સત્કારની ઉચ્ચત્તમ પરંપરાનો પણ પરિચય કરાવવાનુ આહવાન કર્યું હતુ. તેમણે સ્થાનિક દુકાનદારો તથા તેમના પરિવારોને 'કોરોના વિરોધી રસી' લઈને સુરક્ષિત થવાની અપીલ પણ કરી હતી.
કાર્યક્રમમાં સાંસદ, વન કર્મીઓ અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
કાર્યક્રમમા સાંસદ ડૉ. કે. સી. પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિત, વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક મનેશ્વર રાજા, ડાંગ કલેક્ટર ભાવિન પંડ્યા, ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, અને સ્થાનિક વેપારી પરિવારો, પર્યટકો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.