- ડાંગ જિલ્લાના ગુંદીયા ગામ ખાતે ખેડૂતલક્ષી તાલીમ યોજાઇ
- ખેડૂતોને ઈનપુટ વિતરણનું આયોજન કરવામાં આવ્યુ
- મગ અને બીજા અન્ય પાકની ખેતીમાં હંમેશા વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવો
ડાંગઃ વઘઈ ખાતે આવેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિવિધ ખેડૂતલક્ષી તાલીમ સમયાંતરે ગોઠવવામાં આવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. જી.જી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ 11 જૂનના રોજ ગુંદિયા ગામ ખાતે પશુપાલનમાં “ઉનાળામાં પશુઓની સારસંભાળ અને વ્યવસ્થાપન” વિષય પર તાલીમ ગોઠવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ખેડૂતો માટે મદદરૂપ બની રહ્યું છે અહીંનું ખેડૂત તાલીમ કેન્દ્ર, જાણો શું છે વિશેષતા...
પશુપાલનમાં વધુ નફો મેળવવા માટે વૈજ્ઞાનિક સૂચનો આપવામાં આવ્યા
આ તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વઘઈના ડૉ.સાગર પટેલ વૈજ્ઞાનિક (પશુપાલન) દ્વારા પશુઓની સારસંભાળનું દૂધ ઉત્પાદનમાં મહત્વ સમજાવીને પશુપાલનમાં વધુ નફો મેળવવા માટે વૈજ્ઞાનિક સૂચનો આપવામાં આવ્યા હતા.
ખેડૂતોએ આંબામાં ચોમાસા પહેલા ખાતર કઈ પધ્ધતિથી આપવું તેની માહિતી અપાઇ
આ તાલીમની સાથે સાથે કેન્દ્રના ડૉ.પ્રતિક જાવિયા વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) દ્વારા મગ પાકમાં ક્ષેત્રદિવસનું આયોજન કરીને મગ અને બીજા અન્ય પાકની ખેતીમાં હંમેશા વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યુ હતું. હર્ષદ પ્રજાપતિ વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા ખેડૂતોએ આંબામાં ચોમાસા પહેલા ખાતર કઈ પધ્ધતિથી આપવું તેનું પ્રત્યક્ષ નિદર્શન ખેતરમાં કરી બતાવવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચોઃ પોરબંદરમાં ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કૃષિ મેળો યોજાયો
કુલ 30થી વધારે ખેડૂત ભાઈઓ-બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવેલા આ કાર્યક્રમમાં ખેડૂતોને વિવિધ ઈનપુટસ જેવા કે વરીનું બિયારણ, ઘાસચારની જુવારનું બિયારણ, જૈવિક ખાતરો અને નોવેલ વિતરણ ખેડૂતોને કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં કુલ 30થી વધારે ખેડૂત ભાઈઓ-બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અપાયેલા સૂચનો અપનાવવાનો નિર્ધાર કર્યો હતો.