ડાંગ: રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં બહુલક પ્રમાણમાં આદિવાસી જનજીવન વસવાટ કરે છે. આમ પણ ડાંગ જિલ્લો પોતાની આગવી શૈલી, સંસ્કૃતિ,પરંપરા અને રીતિરિવાજની દ્રષ્ટિએ અન્ય જિલ્લાઓ કરતા અનોખો છે. આજના આધુનિક યુગમાં પણ ડાંગ જિલ્લાનું જનજીવન પ્રકૃતિ ઉપર વિશ્વાસ રાખી પ્રકૃતિનાં દેવી દેવતાઓની વાર તહેવારે પૂજા અર્ચના કરે છે.
ડાંગ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ તો વિકટ કહી શકાય તેવી છે. ડાંગ જિલ્લાનાં ખેડૂતો માત્ર વરસાદી ખેતી ઉપર સ્વાવલંબન ધરાવે છે. જેમાં મોટાભાગનાં ખેડૂતોની જમીન ડુંગરાળ અને ખીણ વિસ્તારમાં આવેલી છે જેથી ત્યાં આધુનિક યંત્રો દ્વારા ખેતી થઈ શકતી નથી.
આજના આધુનિક યુગમાં પણ ડાંગી જનજીવન પ્રાચીનકાળથી પોતાને વારસાગત રીતે મળેલી દેણ એવા લાકડામાંથી બનાવેલ હળને પાડા અથવા બળદ સાથે જોતરીને ખેતરોમાં ખેડાણ કરી ખેતી કરી રહ્યા છે, ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમ્યાન ડાંગ જિલ્લાનો ખેડૂત મોટાભાગે હળ વડે ખેતરોમાં ખેડાણ કરવાની ખેત પધ્ધતિ સાથે ખેતીનાં કામોમાં જોતરાઇને આજે પણ પોતાની ઓળખ સમી પારંપરિક સંસ્કૃતિ અને અસ્મિતાને ટકાવી રાખવા સફળ બન્યો છે.