ડાંગઃ જિલ્લા પંચાયત હસ્તકનાં માર્ગ મકાન વિભાગનાં કાર્યપાલક ઈજનેર જી.એ.પટેલની બઢતી સાથે બદલી થતા જિલ્લા પંચાયતનાં કર્મચારીઓ સહિત પદાધિકારીઓએ વિદાય આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકનાં માર્ગ મકાન બાંધકામ વિભાગમાં છેલ્લા સાત વર્ષથી કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા જી.એ.પટેલની ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ વિભાગ ગાંધીનગર ખાતે અધિક્ષક ઈજનેર તરીકે બઢતી સાથે બદલી થતા સોમવારે સાપુતારા ખાતે જિલ્લા પંચાયતનાં કર્મચારીઓ તથા પદાઅધિકારીઓની ઉપસ્થિતમાં વિદાય સાથે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો.
ડાંગ જિલ્લા પંચાયત હસ્તકનાં માર્ગ મકાન વિભાગમાં કાર્યપાલક ઈજનેર તરીકેની કામગીરી દરમ્યાન હંમેશા તેઓએ નાના મોટા કર્મચારીઓ જોડે નિખાલસતા પૂર્વક વર્તન કરતા સૌ કોઈએ તેમની કામગીરીને બિરદાવી હતી.
આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત હસ્તકનાં આરોગ્ય, સિંચાઈ, બાંધકામ, શિક્ષણ, ખેતીવાડી આયોજન સહિત વિભાગનાં કર્મચારીઓ તેમજ જિલ્લા પંચાયતનાં સદસ્યોએ હાજર રહી બઢતીની સાથે બદલી પામેલ કાર્યપાલક ઈજનેર જી.એ.પટેલને શ્રીફળ,પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડી વિદાય આપી શુભેચ્છાઓ પાઠવી હતી.