ડાંગ: 'ગુરુજી'ના નામે અદકેરું સ્થાન ધરાવનારા 'ગાંડા કાકા'નુ આજે 92 વર્ષે નિધન થયું હતું. 1947માં ભારત દેશ આઝાદ થયો ત્યાર બાદ મળેલ સ્વરાજ્યને ગામડે ગામડે સુધી પહોંચાડવાનો પ્રયાસ શરૂ થયો હતો. તે અરસામા ડાંગના સીલોટમાળ ગામના અગ્રણી રામજીભાઈ તથા અન્ય વડીલોએ વેડછી (વાલોડ) મુકામે જુગતરામ દવે તથા બારડોલી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલને મળીને ડાંગ વિસ્તારમા શિક્ષણ સાથે અન્ય સેવાકીય પ્રવૃત્તિઓની ખૂબ જ જરૂરિયાત છે તે અંગેની માગણી મુકી અને સંનિષ્ઠ કાર્યકરોને મોકલવા માટે વિનંતી કરી. જેના ફળ સ્વરૂપે છોટુભાઈ નાયક અને ઘેલુભાઈ નાયકનુ ડાંગમા આગમન થયુ હતું.
કેવી રીતે આવ્યા ડાંગ?: 1948મા ટૂંક સમયમા જ ઘેલુભાઈ નાયક વધુ અભ્યાસ અર્થે બહારગામ ભણવા ગયા અને છોટુભાઈ એકલા પડ્યા. તે સમયે ડાંગમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ હતી. ઘણી બધી મુશ્કેલીઓ હતી અને શિક્ષણ તથા સેવાનું કાર્ય પણ આગળ વધારવાનુ હતુ. તેથી આ પ્રકારના કાર્યો માટે પ્રમાણિક અને નિષ્ઠાવાન ઉત્સાહી યુવાન કાર્યકરોની જરૂરિયાત ઉભી થઇ. ગાંડાભાઈ પટેલ કાજલી, ફણસા, ઉમરગામ વિસ્તારમા અગાઉ આ જ પ્રકારની સેવાની કામગીરી સાથે સંકળાયેલા હોવાથી છોટુભાઈ નાયકે ગાંડાભાઈ પટેલ અને પોતાના મોટા ભાઈ ધીરુભાઈ નાયકને ડાંગ વિસ્તારમા કામ કરવા માટે પોતાની સાથે જોડાવા માટે આગ્રહ કર્યો અને ખાસ આમંત્રણ આપ્યું હતું. જેના ભાગરૂપે છોટુભાઈ નાયકના આગ્રહને માન આપીને વાલોડ (વેડછી) ખાતે જુગતરામ દવે પાસેથી માર્ગદર્શન, પ્રેરણા અને આશીર્વાદ લઇ 1950માં ગાંડાભાઈ પટેલ નાયક બંધુઓ સાથે શિક્ષણ અને સેવાના કાર્ય અર્થે ડાંગ આવ્યા હતા.
આઝાદીની લડાઈમાં લીધો ભાગ: 1950થી આ લખાય છે ત્યાં સુધી એટલે 2023 સુધી ગાંડાકાકા સતત 72 વર્ષથી ડાંગ જિલ્લામા આદિવાસીઓના સર્વાંગી વિકાસના ભગીરથ કાર્યમા સહભાગી થાય છે. આયખાના 91 વર્ષે પણ સંસ્થામા ઉત્સાહભેર કામ કરતા. તેઓ શીર્ષાસન કરતા, રેટીયો કાંતતા અને કર્મચારીઓ, બાળકો, સંસ્થાના હિસાબી/વહીવટી તથા અન્ય વિવિધ કામોમા સક્રિય રહેતા ડાંગ જિલ્લાની વિવિધ પ્રકારની સમિતિઓમા અને બેઠકોમા પણ જરૂર પડ્યે ઉપસ્થિત રહી માર્ગદર્શન કરતા હતા. છોટુભાઈ નાયકનુ સને 1987માં અવસાન થયુ ત્યા સુધી તેમના તમામ કાર્યોમા ગાંડા કાકાએ આજીવન સહભાગીની ભૂમિકા નિભાવી અને ત્યારબાદ સંસ્થા તથા છોટુભાઈના કુટુંબીજનોનુ પરિવારના મોભીની જેમ ધ્યાન રાખીને વિવિધ પ્રકારની ફરજો ખૂબ જ ધીરજપૂર્વક અને મુકસેવક બનીને નિભાવી રહ્યા હતા. બાળ સ્વાતંત્ર્ય સેનાની તરીકે ઓળખાતા ગાંડાભાઈ છનાભાઈ પટેલનો જન્મ 8 ફેબ્રુઆરી 1931ના રોજ ઐતિહાસિક દાંડી ગામે થયો હતો. દાંડીના આગેવાન એવા ખેડૂત છનાભાઈ પટેલના આ કુળદીપકે તેમનુ પ્રાથમિક શિક્ષણ દાંડીની પ્રાથમિક શાળામા લીધુ. નાની વયે જ માતાપિતાની છત્ર છાયા ગુમાવનારા ગાંડાભાઈએ સને 1942મા ભારત છોડો આંદોલનમા ભાગ લેતા નાની વયે જ શાળા છોડી દીધી અને બાળપણથી જ સ્વતંત્રતા સંગ્રામ માટેની સભા, સરઘસ, અને રેલીઓ ગજવતા થયા.
નાની ઉંમરથી હતા સક્રિય: સોમાભાઈ દાંડીકર, દિલખુશ દીવાનજી, મણિબેન નાણાવટી જેવા સ્વતંત્રતા સેનાનીઓ સાથે સ્વતંત્રતાના પાઠ શીખ્યા. કિશોર વયે ખાદી કાંતણ, વણાટ, નઈ તાલીમ, શ્રમ, સ્વાશ્રય જેવા ગુણો જીવનમા ઉતાર્યા. બાળવયે, કિશોર અવસ્થામા આઝાદીની ચળવળના વિવિધ પ્રકારના કાર્યક્રમોમા, સભાઓ સરઘસોમા ઉત્સાહભેર ભાગ લીધો. 1942થી 1947 દરમિયાન દાંડી, કરાડી, મટવાડ, નવસારી વિસ્તારમા સ્વતંત્રતાની જ્યોતિ પ્રજ્વલિત કરવામા ભાગ લીધો. ઉંમર ઓછી હોવાને કારણે જેલમા જવાનુ ન થાય પરંતુ નાની ઉંમરે પણ તમામ પ્રકારના કાર્યક્રમોના સહભાગી અને સાક્ષી બન્યા. ત્યારબાદ છોટુભાઈ નાયકના બોલાવવાથી સને 1950માં ડાંગ આવવાનુ થયુ અને ડાંગ વિસ્તારને પોતાની કર્મભૂમિ બનાવી આદિવાસીઓના ઉત્થાન માટે જીવન સમર્પિત કરવાનો ભેખ ધારણ કરી લીધો.
વિષમ પરિસ્થિતિઓ: ગાંડાકાકાએ તે સમયની વરના ક્યુલર ફાઇનલ, હિન્દી વિનીત, હિસાબી મંત્રીની તાલીમ, નાગરિક સંરક્ષણ અને નઈ તાલીમ, કાંતણ/વણાટ શિક્ષક તરીકેની તાલીમ, સ્વાધ્યાય, યોગાસન જેવી અનેક પ્રકારની તાલીમ અને પરીક્ષાઓ પસાર કરી હતી. તત્કાલીન સુરત જિલ્લામા (તે સમયે વલસાડ, નવસારી અને ડાંગ નો સમાવેશ સુરત જિલ્લામા થતો હતો) કુસ્તીની સ્પર્ધામા પ્રથમ ક્રમ પણ મેળવ્યો હતો. 1950માં ગાંડાભાઈ પટેલ ડાંગ આવ્યા, ત્યારે ડાંગ જિલ્લાની પરિસ્થિતિ ખૂબ જ વિશિષ્ટ પ્રકારની અને વિકટ હતી. અહીં બહારથી આવીને લાંબો સમય રહેવા માટે કોઈ તૈયાર થતુ ન હતુ. અહીંનો સંપૂર્ણ વિસ્તાર જંગલ અચ્છાદિત હતો. ખુબ જ ગીચ જંગલ હતું. ઊંડાણના ગામડાઓમા પગપાળા ચાલીને જ પ્રવાસ કરવો પડતો અને રસ્તા પણ ન હતા. વીજળી પણ નો'તી. ઉનાળામાં પાણીની ખૂબ જ તંગી રહેતી, તો ચોમાસામા ભારે વરસાદ પડતો.
સ્વરાજ આશ્રમમાં રહ્યા: વાંસમાંથી બનાવેલા કાચા મકાનોમા નિવાસ કરવાનો હતો. વાઘ, દીપડા, નાગ, સાપ જેવા જંગલી પ્રાણીઓનો કોઈ પણ સમયે ભેટો થઇ જતો. આદિવાસી મિત્રોને નવડાવવા, ધોવડાવવા, તેમના વાળ અને નખ કાપવા, અને ત્યારબાદ શાંતિથી તેમની સાથે બેસીને, તેમને ખવડાવીને, હસતા રમતા અક્ષરજ્ઞાન આપવાની શરૂઆત કરવાની હતી. ઘણી બધી અગવડો હતી. દરેક પ્રકારની મુશ્કેલીઓ હતી. પરંતુ હૃદયમા અન્યને માટે, બીજાને માટે, કંઈક કરી છુટવાની ભાવના હોવાથી, મુશ્કેલીઓમાંથી પણ માર્ગ મળતો રહ્યો, અને ધીમે ધીમે આદિવાસી વિસ્તારમા શિક્ષણ અને સેવાનું કામ આગળ વધતુ ગયુ. ડાંગ જિલ્લાના વિકાસમા, શિક્ષણ અને સેવાના પાયામા, ડાંગ સ્વરાજ આશ્રમ, સંસ્થાના તમામ કાર્યકરોનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે. ગાંડાભાઈ પટેલ સ્વરાજ આશ્રમ સંસ્થામા સમય સમયની જરૂરિયાતને અનુરૂપ ભૂમિકા ભજવતા રહ્યા. શિક્ષણકાર્ય સાથે ગૃહપતિ તરીકેનુ કામ, સહમંત્રી તરીકે હિસાબની કામગીરી, ટ્રસ્ટી તરીકેનુ કાર્ય, જે તે સમયે સંસ્થાની જરૂરિયાત મુજબ ધીરજ અને પ્રમાણિકતાથી, સાદગી અને સંયમથી પ્રચાર પ્રસારની કોઈ પણ જાતની ખેવના વિના નિષ્ઠાપૂર્વક કરતા રહ્યા. પોતાના કુટુંબ કરતા પણ વધુ સમય અને શક્તિ સંસ્થા માટે ખર્ચી રહ્યા.
પ્રકૃતિમા જ પરમેશ્વર: ગાંડાભાઈ પટેલને પક્ષી, પ્રાણીઓ, વનસ્પતિ માટે પણ ખૂબ જ સ્નેહ રહ્યો છે. તેઓને ઘણી વખત કહેતા સાંભળ્યા છે કે "પ્રકૃતિમા જ પરમેશ્વર છે. પર્યાવરણની જાળવણી કરો, વૃક્ષો વાવો, સ્વચ્છતા જાળવો, અને સૌ સાથે મળીને વિકાસ કાર્યો આગળ વધારો. છેવાડાના વ્યક્તિને શક્ય એટલી વધુ મદદ કરો. નાનામા નાના માણસને માન આપો, એનું ધ્યાન રાખો, શાંતિપૂર્વક ધીરજથી પોતાનું કામ કર્યે જાવ, આપણા સૌના કામકાજ નો હિસાબ ભગવાન પાસે હોય છે. તેથી અન્ય કોઈ પાસે પ્રસંશા કે પદ પ્રતિષ્ઠાની અપેક્ષા રાખવી નહીં". 1987માં છોટુ નાયકના અવસાન બાદ પણ સંસ્થામા અનેક કાચા મકાનોને પાકા કરવા, સંસ્થામા પાણીની વ્યવસ્થા કરવી, સરકારી અને બિન સરકારી કાર્યક્રમોમા સહયોગ આપવો, મરણ જેવા પ્રસંગે ગામના લોકોને વિનામૂલ્યે લાકડા પુરા પાડવા, વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરવો, વિવિધ કાર્યક્રમો માટે લાકડાના વેપારીઓ વલ્લભ નાના (વઘઇ), કલેકટર સાથે બેઠકો યોજી, ટિમ્બર હોલને આશ્રમમા બાંધવા માટે સૌનો સહયોગ પ્રાપ્ત કર્યો.
આ પણ વાંચો ઓહો! વરસાદ કે દુષ્કાળ નક્કી કરતો દિવસ એટલે પણ ઉત્તરાયણ
મહાનુભાવો પાસેથી લીધી પ્રેરણા: સંસ્થાને માથે આર્થિક સંકટ હતુ જેમાંથી સુખરૂપ બહાર આવ્યા. થોડો સમય બંધ થયેલા કન્યા છાત્રાલયને ફરીથી શરૂ કરાવ્યુ. તે સિવાય જિલ્લા કક્ષાની વિવિધ બેઠકોમા ભાગ લઈને વિકાસ કાર્યોમા યથાશક્તિ યોગદાન આપતા રહી સને 1950થી 2023 સુધીના પરિવર્તનના સાક્ષી બની રહ્યા છે. હજારો કાર્યકરો આવ્યા અને ગયા. જેમની સાથે કામ કરવાના અવનવા અનુભવો ગાંડા કાકાએ લીધા છે. ઘેલુભાઇ નાયક તથા સ્વામીજીના શિક્ષણ સેવાના યજ્ઞમા સહભાગી થઈ રહ્યા. ગાંડા કાકાએ 92 વર્ષે દેહત્યાગ કર્યો છે, તેવા સમયે તેમની જીવનયાત્રા ઉપર નજર નાંખવાનો એક વિનમ્ર પ્રયાસ અહીં કર્યો છે. ડાંગ સ્વરાજ આશ્રમના તેમના અનેક અનુભવોને શબ્દોમા સમાવવા અશક્ય છે. છતાંય માત્ર પ્રાથમિક ખ્યાલ મેળવવાનો એક વિનમ્ર પ્રયાસ થયો છે. જે "આઝાદી ના અમૃત વર્ષ" ની ઉજવણી પ્રસંગે પણ આ 'બાળ સ્વાતંત્ર્ય વિર'ની ગાથા પ્રસ્તુત ગણાશે. સંસ્થામા નાયક બંધુઓ ઉપરાંત ગુણવંતભાઈ પરીખ-કાલીબેલ, અમૃત નાયક-વિરથવા જેવા અનેક કાર્યકરો સાથે કાકાએ વર્ષો સુધી કામ કર્યું છે. શરૂઆતના વર્ષોમા જુગતરામ દવે, રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા જેવા મહાનુભાવો ડાંગની મુલાકાતે આવતા ત્યારે તેમની પાસેથી પણ પ્રત્યક્ષ આશિષ અને પ્રેરણા તેમણે મેળવી છે.
આ પણ વાંચો G-20 meeting 2023: G-20 બેઠકો માટે ગુજરાત તૈયાર, ટુરીઝમ વર્કીંગ ગ્રુપની બેઠક 8થી10 ફેબ્રુઆરી કચ્છમાં
અનોખા મૂકસેવક: સ્વતંત્રતા સંગ્રામ ઉપરાંત બૃહદ મુંબઇ રાજ્ય વેળા શરૂ થયેલી મહાગુજરાતની ચળવળમા પણ આશ્રમની મહત્વની ભૂમિકા રહી છે. ડાંગ જિલ્લાની જિલ્લા કક્ષાની વિવિધ સમિતિઓમા તેઓ પ્રતિનિધિ કે સભ્ય તરીકે તથા બીજી અન્ય સામાજિક સંસ્થાઓમા પણ ટ્રસ્ટી કે સભ્ય તરીકેની કામગીરી બખૂબી નિભાવી રહ્યા.