ડાંગઃ પ્રાપ્ત વિગતો અનુસાર આહવા તાલુકાનાં ચનખલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ચનખલ ગામે રહેતી વૃદ્ધા મંગીબેન જાન્યાભાઈ કાહડોળિયા (65 વર્ષ) જે આહવા ખાતે પોતાના સંબંધીઓનાં ત્યાં આવ્યા હતા.
આહવાથી આ વૃદ્ધાને કોઈ વાહન ન મળતા ચાલીને ચનખલ ગામ જવા માટે નિકળ્યા હતા. તે સમયે નિલશાક્યા નજીકનાં ઝરણાં પાસે ધામૂંડે નામની જગ્યાએ પગ લપસી જતા ઊંડા પાણીમાં વૃદ્ધા ડૂબ્યા હતા. ગુરુવારે સવારે નિલશાક્યા ચેકડેમનાં પાણીમાં ગ્રામજનોને મૃતદેહ દેખાતા તેઓએ આહવા પોલીસ મથકે જાણ કરી હતી.
ઘટનાના પગલે આહવા પોલીસની ટીમ સ્થળ પર દોડી જઇ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હાલમાં આહવા પોલીસે આકસ્મિક ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.