ડાંગ: વધઇ તાલુકામાં સમાવિષ્ટ ચિંચિનાગાવઠા ગૃપ ગ્રામ પંચાયતનાં ઢાઢરા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થતાં કલાકો સુધી લોકોની આવન-જાવન બંધ રહે છે.
ચિંચિનાગાવઠાથી 3 કિ.મી દૂર આવેલા આ ગામ ચોમાસાની ઋતુ દરમિયાન સંપર્ક વિહોણું બની જાય છે. હાલમાં તો વૈશ્વિક કોરોનાની મહામારી હોય જેના પગલે શાળા કોલેજો બંધ છે, પરંતુ દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન આ ગામનો કોઝવે ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા આ ગામનાં લોકોને ભારે મુશ્કેલીઓ પડે છે.
ચિંચિનાગાવઠા ગૃપ ગ્રામ પંચાયતનાં સભ્ય છગન ઢોડીયા જણાવે છે કે, આ ગામમાં આવવા માટેના માર્ગમાં નિચાણવાળો કોઝવે આવે છે. જે ચોમાસાની ઋતુમાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જાય છે. જે કારણે ગામ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે.
કોઝવે ઓવરફ્લો થવાના કારણે નજીકના વિસ્તારમાં પાણી ભરાઇ જતા ડાંગરની ખેતી અને અન્ય ખેતી કરવામાં પણ મોટા પાયે ધોવાણ થતુ હોય છે. ઉપરવાસમાં વધારે પડતા વરસાદને કારણે કોઝવે ઓવરફ્લો થતાં ખેતરોના ઉભા પાકનું પણ નુકસાન થતું હોય છે.
ગામના લોકોનું કહેવું છે કે, ઢાઢરા ગામ નજીક 3 કિ.મી દૂર ચિંચિનાગાવઠા ગામમાં ભણવા જતા બાળકો ચોમાસાની ઋતુમાં અટવાઈ જતા હોય છે. શાળામાં જતી વખતે ભારે વરસાદ હોય કોઝવે પાણીમાં ગરકાવ થઇ જાય છે. જેના લિધે આ બાળકોને કલાકો સુધી પાણી ઓસરવાની રાહ જોવી પડે છે. જ્યારે અમુક વાર આ બાળકો જીવના જોખમે કોઝવે પાર કરી શાળાએ જવા મજબૂર બને છે. જેથી ડાંગ કલેક્ટર આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી ગ્રામજનો માગ કરી રહ્યા છે.