ડાંગ: પ્રાપ્ત માહિતી અનુસાર ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતેની પી.ડબલ્યુ.ડી. કોલોનીનાં નજીક વર્ષો જૂનો પીવાના પાણીનો કૂવો આવેલો છે. ગામનાં જાગૃત યુવાનો તથા ગ્રામજનોએ જણાવ્યું કે, આ કુવામાંથી આહવાનાં 50 ટકા લોકો પાણીનો પીવા માટે ઉપયોગ કરે છે. છતાં પણ આરોગ્ય વિભાગ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા આ કૂવાનાં પાણીનું ટેસ્ટીગ કરવામાં આવતુ નથી અને પાણીનાં શુદ્ધિકરણ માટે દવાઓ પણ નાખવામા આવતી નથી.

જેના લીધે આ કૂવાનાં પાણીનો ઉપયોગ કરનાર જનજીવનનાં આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યાનું જણાઈ રહ્યું છે, આ સાથે જ છેલ્લા દસ-બાર દિવસોથી આ કૂવામાં ધામણ (સાપ) પડીને સડી ગયેલ હોવાથી કુવાનું પાણી દુર્ગંધ મારવા લાગ્યું છે. છતાંય ગ્રામ પંચાયત આ કૂવાની સાફ સફાઈ કરવાની જગ્યાએ બેદકારી દાખવી રહી છે અને પી.ડબ્લ્યુ.ડી કોલોનીનાં ગ્રામજનો અત્યારે પણ આજ કુવાનો પાણી ઉપયોગ કરી રહ્યાં છે.

એક તરફ કોરોના વાઇરસની મહામારી અને બીજી તરફ કુવાનાં દૂષિત પાણીથી આરોગ્યને અસર જેવા પ્રશ્નો સાથે અહીના રહેવાસીઓ માટે ચિંતાજનક વિષય બન્યો છે, જેથી આહવા નગરનાં ગ્રામજનોએ પાણીનાં નિરાકરણ માટે કલેક્ટર સહિત સરપંચને અરજી કરી સમસ્યાનું નિરાકરણની માંગ કરી છે.