ડાંગ : ખેડૂતોની આવક બમણી કરવા માટે તેમને અપાતી જુદી જુદી યોજનાઓના લાભો પૈકી વીજ વિભાગ દ્વારા કૂવાઓનું વીજળીકરણ મહત્ત્વનું કદમ છે. રાજ્યના ખેડૂતોનો વિકાસ સર્વ વ્યાપક હોવો જોઈએ' તેવા સ્પષ્ટ અભિગમ સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પ્રગતિના શિખરે પહોંચાડવા પ્રયત્નશીલ છે. ત્યારે પાછલા સો દિવસોમાં નિયત લક્ષ્યાંકને હાંસલ કરવા માટે વીજ વિભાગનું સરકારી તંત્ર ખભેખભા મિલાવીને લક્ષ્યને ટપી જઈ, ક્યાંક સવાયું તો ક્યાંક અઢીગણું કામ કર્યું હોવાના આંકડા દર્શાવાયાં છે.
સેવાના સો દિવસ : સો દિવસ સાથ, સહકાર અને સેવાના સૂત્રને ચરિતાર્થ કરતા ગુજરાતના છેવાડે આવેલા અને પ્રાકૃતિક ખેતીને વરેલા ડાંગ જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની 'ખેતી વિષયક કૂવાઓના વીજળીકરણ' ની યોજના અંતર્ગત, નિયત લક્ષ્યાંક કરતા અઢી ઘણું કાર્ય પૂર્ણ કરીને, ડાંગ જિલ્લા સહિત ગુજરાતનું માન વધાર્યું હોવાનું જણાવાયું છે.
આ પણ વાંચો Dang News : પહાડી વિસ્તારમાં તમતમતા મરચાનો પાક લહેરાવ્યો ખેડૂતે, આવક કેટલી જૂઓ
વીજળીકરણ લક્ષ્ય : આ વિશે આહવાની વીજ કચેરીના નાયબ ઈજનેર વિજય પટેલના જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લાના આહવા સહિત વઘઇ અને સાપુતારા વીજ વિભાગ પેટા વિભાગીય કચેરીઓને સો દિવસમાં 150 કૂવાઓના વીજળીકરણનું લક્ષ્ય આપ્યું હતું. આ લક્ષ્યાંક સામે વીજ વિભાગે 667.32 લાખના ખર્ચે 386 કૂવાઓનું વીજ જોડાણ કરીને અઢીગણું કામ કરી આપ્યું છે.
આવક બમણી કરવાનો હેતુ : આ અગાઉ ખેડૂતોની આવક બમણી કરવા માટે તેમને અપાતી જુદી જુદી યોજનાઓના લાભો પૈકી, વીજ વિભાગે ડાંગ જિલ્લામાં સને 2003 થી 2021 સુધીમાં, આદિજાતિ વિકાસ વિભાગની યોજના અંતર્ગત, કુલ ₹ 3210.92 લાખના ખર્ચે, 2251 કુવાઓને વીજ જોડાણ આપ્યા છે તેમ પણ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આહવા તાલુકાના ભીસ્યા ગામના લાભાર્થી દક્ષાબેન વસંતભાઈ કુંવરે તેમને મળેલા આ વીજ જોડાણથી વર્ષભર પાણીની સવલત ઉપલબ્ધ થતા ખેતી પાક લઈ શકશે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો મહેસાણા પાટણ ભીલડી રેલવે ટ્રેકનું વીજળીકરણ કામ ચાલે છે પૂરજોશમાં
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન : ખેડુત વીજ જોડાણથી ખેતીના બારેમાસ ખેતી કરી બમણાં પાક માટે ખેત પ્લાનિંગ કરી સિજનેબલ પાકોનું વધું પ્રમાણમાં ઉત્પાદન કરી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપશે. ખેતી માટે આપવામાં આવેલ વીજ જોડાણ ખેડૂતો માટે ખૂબ જ મહત્વનું અને ફાયદાકારક પગલું છે. પાણી અને વીજળીની સુવિધા ખેતરમાં જ મળતા ખેડૂતોએ સરકારનો સરાહના કરી હતી. આમ સેવાના સો દિવસ દરમિયાન ડાંગ જિલ્લાએ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ગુજરાતનું માન વધાર્યું છે.