ડાંગ: આગામી 3 નવેમ્બરનાં રોજ ડાંગ વિધાનસભાની પેટાચૂંટણી યોજાનાર છે. ત્યારે ડાંગમાં ચૂંટણીના મેદાનમાં ભાજપ-કોંગ્રેસના કયા ઉમેદવારો ઉતરશે, તેની તૈયારી અને વ્યૂહરચના માટે બેઠકોનો સિલસીલો શરૂ થઇ ગયો છે.
આ અનુસંધાને શનિવારે વઘઈ તાલુકાનાં નાનાપાડા ખાતે ભાજપની ગૃપ્ત બેઠક મળી હતી. જેમાં તમામ કાર્યકરો ઉપસ્થિત હતા, પરંતુ પોતાને ભાજપ પક્ષમાંથી ટિકીટ મળશે જ તેવો મક્કમ દાવો કરનાર માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવિતની ગેરહાજરી જણાઇ હતી.
તેમને આ ગૃપ્ત બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આ બનાવને પગલે મંગળભાઈના દાવાઓ ખોટા પડવાની અનેક શક્યતાઓ સર્જાઇ છે. સ્થાનિક નેતાઓએ મોવંડી મંડળમાં રજૂઆત કરી હતી કે હજુ મંગળભાઈ ગાવીતે ભાજપનો ખેસ ધારણ કર્યો નથી. તેઓ ભાજપના કાર્યકર નથી. જેથી તેમને આગામી ચૂંટણીમાં ટિકીટ આપવાની રહેતી નથી.
આ ગૃપ્ત મિટીંગમાં ભાજપ પાર્ટીને સર્વેસવા માની પાર્ટીનાં આદેશ મુજબ રાત-દિવસ એક કરી કામ કરનારા ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ બાબુરાવ ચોર્યા અને માજી ધારાસભ્ય વિજયભાઈ પટેલમાંથી કોને ઉમેદવાર બનાવી શકાય તે અંગેની ચર્ચા થઈ હતી. જેમાં મોટાભાગનાં ભાજપી પદાધિકારીઓએ આગામી ચૂંટણીમાં નવા ચહેરા તથા કાર્યકરો લોકોનું કામ કરે તેવા ઉમેદવાર તથા ડાંગનાં પ્રશ્નોની ગાંધીનગર સુધી રજૂઆત કરે તેવાં સક્ષમ ઉમેદવારને ટિકીટ આપવા માટે મત વ્યકત કર્યો હતો. જયારે કોંગ્રેસ પક્ષમાંથી ચંદરભાઈ ગાવિતને હજુ વિધિવત ટીકીટ ન જાહેર થતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં અસંમજસતા જોવા મળી રહી છે.