ડાંગઃ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરે જિલ્લામા આગામી સમયમાં યોજાનારા કાર્યક્રમોમા પણ આવા જ સુચારુ સંકલનની અપેક્ષા વ્યક્ત કરી હતી. આવી રહેલા અનલોક-5ના સમયમા જિલ્લાના વિકાસ કામોમાં ગતિ સાથે નિયત સમય મર્યાદામાં અને ગુણવત્તા સાથે તમામ કામો પૂર્ણ થાય તેની તકેદારી રાખવા માટે પણ સૂચના આપી હતી.
કોરોનાની સ્થિતિ ધ્યાને લેતા સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અપડાઉન કરતા કર્મચારીઓ, તેમની ફરજના સ્થળે જ હાજર રહે તે આવશ્યક છે, તેમ જણાવી કલેક્ટરે જિલ્લામાં હેલ્મેટ, સીટ બેલ્ટ, ફેસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજીયાત પાલન કરવાની સૌને હિમાયત કરવા સાથે, તમામ સરકારી કચેરીઓના વર્ગ-4થી લઈને વર્ગ-1 સુધીના કર્મચારી, અધિકારીઓ આ બાબતનો યોગ્ય અમલ કરે તે માટે કચેરીના વડા અધિકારીઓને સ્ટાફ મિટિંગ યોજી આ બાબત સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજાએ આ બાબતે સરકારની માર્ગદર્શક સૂચનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી.
દરમિયાન જિલ્લાના દરેક અધિકારી, કર્મચારીઓને તેમના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ફરજિયાતપણે ડાઉનલોડ કરી તે મતલબનું પ્રમાણપત્ર સત્વરે રજૂ કરવાની પણ કલેક્ટરે તાકીદ કરી હતી. જિલ્લા સેવા સદન ખાતે આયોજિત બેઠકમાં કલેક્ટરે આગામી દિવસો દરમિયાન યોજાનારા કાર્યક્રમો સંદર્ભે સબંધિત વિભાગોને તેમની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવાની પણ અપીલ કરી હતી.
સંકલન સમિતિના નિયમિત મુદ્દાઓ જેવા કે એજી ઓડિટના બાકી પેરાઓનો નિકાલ, બાકી તુમાર, સરકારી લેણાની બાકી વસુલાત, પેન્શન કેસ, નાગરિક અધિકારપત્ર અન્વયે મળેલી અરજીઓ, માહિતી અધિકાર અધિનિયમ હેઠળની અરજીઓ, ગ્રામસભા તથા તાલુકા/જિલ્લાના સ્વાગત કાર્યક્રમોના બાકી પ્રશ્નો, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જૂના વાહનો તથા સાધન સામગ્રીનો નિકાલ જેવા મુદ્દે પણ વિસ્તૃત માર્ગદર્શન પૂરું પડાયું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એચ. કે. વઢવાણિયા તથા નાયબ વન સંવરક્ષકો સર્વ અગ્નિશ્વર વ્યાસ અને દિનેશ રબારીએ પણ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેક્ટર ટી. કે. ડામોરે જિલ્લા અધિકારીઓને વિકાસ વાટિકા પુસ્તિકા પ્રકાશિત કરવા માટે જરૂરી વિગતો સત્વરે જિલ્લા માહિતી કચેરીને પહોંચાડવા માટેની સૂચના આપી હતી.
જિલ્લા સંકલન સમિતિની આ બેઠકમાં અધિક કલેક્ટર કે. જી. ભગોરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. બી. ચૌધરી, પ્રાંત અધિકારી કાજલ ગામીત, કાર્યપાલક ઈજનેરો સર્વ જે. કે. પટેલ અને ડી. બી. પટેલ, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. ડી. સી. ગામીત સહિત જિલ્લાના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.