આહવાઃ પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા મુદ્દે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં કાર્યકરોએ મુખ્યમથક આહવાનાં ગાંધી બાગ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન કરી રહેલા જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
વિરોધ પ્રદર્શન કરી રહેલ કોંગ્રેસી કાર્યકરોએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકાર અને ગુજરાતમાં 22 વર્ષથી ભાજપની સરકારમાં પેટ્રોલ-ડીઝલ સહિત રાંધણ ગેસ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા ઉપર મોંઘવારીનો ભાર વધી રહ્યો છે.
છેલ્લા 1 અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે કોવિડ-19ની મહામારીમાં પ્રજા માટે આર્થિક મુશ્કેલીનાં સમયમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાનાં કારણે મોંઘવારીનો ભાર વધી શકે છે. જેના વિરોધમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરીની આગેવાનીમાં જિલ્લાનાં મુખ્યમથક આહવા ખાતેનાં ગાંધીબાગ ખાતે કોંગ્રેસી કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કોરોનાની મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક પહેરી સાથે હાથમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધ સાથેનાં પોસ્ટર લઈ વિરોધ કરી રહેલ કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી, બાદમાં તમામ કૉંગ્રેસી કાર્યકરોને મુક્ત કરાયા હતાં.