ડાંગ: પ્રાપ્ત માહિતી અનુસાર ડાંગ BTS પાર્ટી દ્વારા બુધવારે કલેક્ટર કચેરી આહવા ખાતે મામલતદાર અને કલેક્ટરને અનુસૂચિ 5 લાગુ કરવા તેમજ આદિવાસીઓનાં પ્રશ્નોનું નિરાકરણ બાબતે આવેદનપત્ર આપ્યુ હતું. દેશમાં આદિવાસી સમુદાયની વસ્તી લગભગ 12 કરોડની અને 10 રાજ્યમાં અનુસૂચિ 5નું પ્રાવધાન છે. જ્યારે 7 રાજ્યોમાં અનુસૂચિ 6નું પ્રાવધાન છે. અનુસૂચિ 6ની અમલવારી દરેક રાજ્યોમાં વ્યવસ્થિત જોવા મળે છે. પરંતુ અનુસૂચિ 5ની અમલવારી હજી સુધી મોટા ભાગના રાજ્યોમાં કરવામાં આવી નથી.
U.N.O. એ જણાવ્યું છે કે, દુનિયા અને માનવ જાતને બચાવવા માટે લોકોએ આદિવાસી જીવનશૈલી અપનાવવી પડશે. આથી ગુજરાતનાં આદિવાસીઓને તેમના વિસ્તારને, સંશાધનને, સંસ્કૃતિ,સભ્યતા,રિતીરીવાજ,બોલી,સભ્યતા,ખનીજો-જળ-જંગલ જમીનને બચાવવા માટે અનુસૂચિ 5ની અમલવારી જરૂરી છે.
આ ઉપરાંત BTS પાર્ટીનાં મુખ્ય પ્રશ્નોમાં શિક્ષણ અને આરોગ્યની સુવિધા, લોકોને રોજગારી, સિંચાઈ પાણીની સુવિધા, જમીન સંરક્ષણ, પૈસા કાનૂન 1996ની અમલવારી તથા ભીલ પ્રદેશની અમલવારી વગેરે કુલ 8 જેટલાં મુદ્દાઓ સાથે ડાંગ BTS પ્રમુખ રાકેશભાઈ પવારની આગેવાનીમાં અન્ય કાર્યકર્તાઓએ કલેક્ટર સહિત મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી સરકાર સુધી પોહચાડવા માટે અપીલ કરી હતી.