- ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ
- ડાંગર અને શિયાળુ પાકને નુકસાન
- હવામાન વિભાગની આગાહીની અસર વર્તાઈ
ડાંગ: રાજ્યમાં હવામાન વિભાગની આગાહીનાં પગલે છેલ્લા બે દિવસથી વાતાવરણનાં પલટા સાથે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહયો છે. રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ગત રોજ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, વઘઇ, સુબિર, આહવા સહિત પૂર્વપટ્ટી અને સરહદીય વિસ્તારનાં ગામડાઓમાં વહેલી સવારથી જ ઝરમરીયો કમોસમી વરસાદ શરૂ થયો હતો. જેના લીધે પંથકોમાં શીત લહેર ફેલાઈ ગઈ હતી.
ડાંગ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના પગલે ડાંગી ખેડૂતોનાં બાગાયતી પાકો જેવાં કે, સ્ટ્રોબેરી, મકાઈ, મરચાં, રીંગણ, કારેલા, ઘઉં, વટાણા, ચણા, ડુંગળી, લસણ, ભીંડા, સહીતનાં પાકોને નુકસાન થવાની શક્યતા જણાઈ રહી છે. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ઢગલો કરાયેલા પાક ઉપર પ્લાસ્ટીક કે તાલપત્રી ઢાંકવા માટે લોકોમાં ઉતાવળ જોવા મળી હતી. જ્યારે ગિરિમથક સાપુતારામાં કમોસમી વરસાદથી ગાઢ ધૂમમ્સ ફેલાયું હતું અને સમગ્ર સ્થળોનાં દ્રશ્યો મનમોહક બન્યા હતા.