- ડાંગ કલેક્ટરના આદેશ બાદ વેક્સિન ઝુંબેશ હાથ ધરાઈ
- કોરોનાથી બચવા ગ્રામીણ વિસ્તારમાં વેક્સિનેશન શરૂ
- વઘઇ અને ઝાવડા ખાતે વેક્સિનેશન
ડાંગ: જિલ્લાના પ્રવેશદ્વાર અને ઝાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા સમાવિષ્ટ એવા વેપારી મથક વઘઇ ખાતે 22 મેના રોજ 45થી વધુ વય જૂથના બાકી રહેલા ગ્રામજનો માટે રસીકરણનુ આયોજન કરાયું હતું.
વઘઇ અને ઝાવડામાં વેક્સિન ઝુંબેશ હાથ ધરાઈ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ઝાવડાના સેન્ટરના ગામ તરીકે વઘઈ નગરને પસંદ કરી તાલુકા શાળા-વઘઈ તથા PHC ઝાવડા ખાતે ઘનિષ્ઠ રસીકરણ ઝુંબેશ હાથ ધરવામા આવી હતી. જેમાં વઘઈ નગર અને તેની આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામા વેક્સિન લેવા ઉમટી પડ્યા હતા. ઝાવડા PHCના લાયઝન અધિકારી ડૉ.બી.એમ.રાઉત અને મેડિકલ ઓફિસર ડૉ.ગર્વિના ગામીત દ્વારા સુચારૂ સંકલન કરી વઘઈના સેવાભાવી યુવા કાર્યકરો સર્વ રીતેશ પટેલ તથા દિપ્તેશ પટેલનો સહયોગ મેળવી વધુમાં વધુ લોકો રસીકરણ માટે આગળ આવે તેવા પ્રયાસો હાથ ધરાયા હતા.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં કોરોના વેક્સિનના 15 સેન્ટર 5 દિવસ પછી ફરી શરૂ, રોજ 100 લોકોને અપાય છે વેક્સિન
આરોગ્યકર્મીઓ દ્વારા હાઉસ ટૂ હાઉસ સર્વે કરી વેક્સિનેશનની ઝુંબેશ હાથ ધરાઈ
વઘઈ સબ સેન્ટરના આરોગ્ય કર્મીઓ, આંગણવાડી કાર્યકર, આશાવર્કર વગેરેએ પણ હાઉસ ટૂ હાઉસ 45થી વધુ ઉંમરના લોકોનો સંપર્ક કરી રસીકરણની કામગીરીને સફળ બનાવી હતી. વઘઈ તાલુકાના નોડલ ઓફિસર અને પ્રાંત અધિકારી કાજલ ગામીતની પ્રેરણા અને માર્ગદર્શન મળી રહ્યું હતું. આ દરમિયાન મામલતદાર વઘઈએ પણ વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનિય છે કે, ઝાવડા PHCના કાર્ય વિસ્તારમાં કુલ 7 સબ સેન્ટર આવેલા છે. જેમાં 26 ગામોનો સમાવેશ કરાયો છે. પ્રાથમિક સર્વે મુજબ અહીં 45થી વધુ ઉંમરના 4,520 ગ્રામજનોનો લક્ષ્યાંક નિયત કરાયો છે. જે પૈકી 30 એપ્રિલ 2021 સુધી 2,686 લોકોનુ વેક્સિનેશન પૂર્ણ કરવામાં આવ્યું છે.