- ડાંગ ભાજપનાં ચૂંટણી ઇન્ચાર્જ ગણપત વસાવા દ્વારા બેઠક યોજાઇ
- ભાજપ પક્ષ દ્વારા બૂથ લેવલે પેજ સમિતિ બનાવવાનું કામ પૂર્ણ
- કોંગ્રેસ પક્ષમાં ઉમેદવાર પણ તૈયાર થતા નથીઃ ગણપત વસાવા
ડાંગઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે આગામી તાલુકા જિલ્લા પંચાયતમાં ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરી કરવામાં આવી છે. આહવા નજીક આવેલા દેવીનાંમાળ ખાતે કેબિનેટ પ્રધાન ગણપતસિંહ વસાવા, સહ ઇન્ચાર્જ અશોકભાઈ ધોરજીયા, પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવાર, ધારાસભ્ય વિજયભાઈ પટેલ મહામંત્રીઓ, માજી ધારાસભ્ય મંગળ ગાવીતની ઉપસ્થિતીમાં કાર્યકરો અને સંભવિત ઉમેદવારો સાથે બેઠક યોજી ચૂંટણી અંગે છણાવટ કરવામાં આવી હતી.
આહવા તાલુકા અને જિલ્લાની બેઠકો પર ઉમેદવાર વિશે ચર્ચા કરવામાં આવી
ગણપત વસાવની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આહવા તાલુકાની 16 અને જિલ્લા પંચાયતની 8 બેઠકો પર વિસ્તૃત વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ભાજપના સૌનો સાથ સૌનો વિકાશના પ્રધાને સ્વીકારી દરેક તાલુકાના મોટા ભાગની તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે સિંગલ નામો ચર્ચાયા હતા. તેજ રીતે જિલ્લા પંચાયતના ઉમેદવારોમાં અપવાદ બાદ કરતાં નજીવા બેઠકો પર 2,3 નામોની ચર્ચા ઉઠી હતી, જોકે ભાજપ મોવડી મંડળે નક્કી કરેલા ઉમેદવાર પર પસંદગી કરવામાં આવશે તેમ સૌ કાર્યકરોએ સંમતિ દર્શાવી હતી.
બૂથ લેવલે પેજ સમિતિની રચના
દેવીનામાળ ખાતે યોજાયેલી ભાજપની બેઠકમાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે જાહેરાત કરી દેવામાં આવી છે. જેનાં ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બૂથ લેવલે પેજ સમિતિ બનાવવામાં આવી રહી છે. જ્યારે ડાંગ જિલ્લામાં 100 ટકા પેજ સમિતિઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી વેરવિખેર હાલતમાં છે. જેના કારણે કોંગ્રેસમાં કોઈ ઉમેદવાર પણ તૈયાર થતાં નથી. રાજ્યની ભાજપ સરકાર દ્વારા ડાંગમાં વિકાસકીય કામોમાં સફળતા પ્રાપ્ત કરતાં આવનારા સમયમાં ભાજપનો ભગવો લહેરાશે.