શિક્ષણ તમામ ક્ષિતિજના દરવાજા ખોલી નાંખે છે. ગરીબ-તવંગર જેવા કોઇ ભેદ શિક્ષણમાં નથી. સિધ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય એ ઉક્તિ આજે થોરપાડાના અવિરાજે સિધ્ધ કરી બતાવી છે.આહ્વાથી અંદાજીત 40 કિ.મી.ના અંતરે આવેલા થોરપાડા ગામમાં આજે ખુશીનો માહોલ બન્યો છે. ગામના ખેડૂત પરિવારનો સૌથી નાનો દિકરો અવિરાજ સખારામભાઈ ચૌધરી નામના યુવાને દેશની સર્વોચ્ચ એન્જીનીયરીંગ ક્ષેત્રે લેવાતી પરીક્ષામાં 1020મો ક્રમાંક મેળવીને દેશની નામાંકિત આઈ.આઈ.ટી. દિલ્હીમાં ટેક્ષટાઈલ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવ્યો છે.
![dang](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-dang-01-04-july-2019-success-story-photo-story-umesh-gavit_04072019145108_0407f_1562232068_1041.jpg)
ભણવામાં હોંશિયાર એવા અવિરાજે પ્રાથમિક શિક્ષણ પોતાના જ ગામની પ્રાથમિક શાળામાં લીધુ હતું. ત્યારબાદ બાજુના ગામની પ્રાથમિક શાળા કડમાળમાં 8 માં ધોરણ સુધી અભ્યાસ કરીને ધોરણ 9થી12 સુધીનું શિક્ષણ સંતોકબા ધોળકિયા વિઘામંદિર-માલેગામમાં લીધુ હતું. અવિરાજના પરિવારની વાત કરીએ તો પિતા સખારામભાઈ અને માતા સેવંતિબેન, કુલ 6 ભાઈઓ અને 5 બહેનો છે. વિશાળ પરિવારમાં અવિરાજ સૌથી નાનો છે. તેમના મોટાભાઈ બારકિયાભાઈ ગ્રેજ્યુએટ થઇ એસ.આર.પી.ગૃપ નં 14 માં ફરજ બજાવે છે. બીજા રામુભાઈએ એફ.વાય.બી.એ.સુધી અભ્યાસ કર્યો છે. મોટી બહેનો અભણ છે. અને લક્ષ્મીબહેને એસ.વાય.બી.એ.સુધી અભ્યાસ કર્યો છે. અને કલ્પના બહેને ધો.10 સુધીનો અભ્યાસ કર્યો છે. બાકીના ભાઈઓ-બહેનો આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડી ખેત મજૂરી કરી જીવન ગુજારી રહ્યા છે.
![dang](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-dang-01-04-july-2019-success-story-photo-story-umesh-gavit_04072019145108_0407f_1562232068_947.jpg)
પી.પી.સ્વામીએ જણાવ્યું હતું કે અમારી સંસ્થામાંથી પાસ થઇને આગળ ભણવાની ઈચ્છા ધરાવતા વિઘાર્થીઓને સારૂ શિક્ષણ મળે એ માટે અમે કટીબધ્ધ છીએ. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિઘાર્થીઓને સારૂ કોચીંગ મળી રહે તે માટે કૌશલ વિઘાલય તેમજ નાના વરાછામાં પટેલ સમાજની વાડીમાં વિનામૂલ્યે રહેવા-જમવાની સુવિધા કરવામાં આવે છે. દર વર્ષે ચારથીપાંચ વિઘાર્થીઓ મેડિકલ તેમજ એન્જી. જેવા ઉચ્ચ અભ્યાસના ક્ષેત્રે શિખરો સર કરે એવા પ્રયાસ હાથ ધરવામાં આવે છે.અવિરાજમાં રહેલી સુષુપ્ત શક્તિને સ્વામીજીએ પારખી અને હિંમત આપી આજે અવિરાજે ડાંગના ઈતિહાસમાં સૌપ્રથમ આઈ.આઈ.ટી.દિલ્હીમાં પ્રવેશ મેળવી ગામનું ગૌરવ તેમજ ડાંગ જિલ્લાનું અને રાજ્યનું નામ રોશન કર્યું છે. જિલ્લા કલેકટરશ્રી એન.કે.ડામોર,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.બી.ભૂસારા સહિત ગ્રામજનો અને પરિવારજનોએ અવિરાજને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.