ડાંગ: રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં સતત એક સપ્તાહથી મેઘરાજાનાં વરસાદે ધુંઆધાર બેટીંગ કરતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી છે. ડાંગ જિલ્લાનાં ગામડાઓ સહિત સરહદીય વિસ્તારમાં તેમજ ઉપરવાસનાં કેચમેન્ટ વિસ્તારોમાં એક સપ્તાહથી વરસી રહેલા ભારે વરસાદનાં પગલે જિલ્લાની અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીઓમાં ઘોડાપુર આવતા ગાંડીતુર બની છે.
ડાંગ જિલ્લામાં ભારે વરસાદનાં પગલે ગત રવિવારે 8 કોઝવે તથા સોમવારે 12થી વધુ કોઝવે અને મંગળવારે 7થી વધુ કોઝવે તેમજ બુધવારે 6 કોઝવે ધસમસતા પ્રવાહમાં કલાકો સુધી ગરક થઈ જતા અહીનું સ્થાનિક જનજીવન સહિત પશુપાલન છેલ્લા પાંચ દિવસથી પ્રભાવિત થયું છે. તેવામાં બુધવારે દિવસ દરમિયાન સાપુતારા, આહવા અને સુબીર પંથકોમાં વરસાદનું જોર ધીમુ પડ્યું હતું. સાપુતારા, સુબીર અને આહવા પંથકમાં બુધવારે દિવસ દરમિયાન ધીમી ગતિએ વરસાદ વરસતા આ ત્રણેય પંથકનાં નીચાણવાળા કોઝવે ઉપરથી પાણી ઓસરી ગયા હતા અને દિવસ દરમિયાન અવર જવર માટે ખુલ્લા થઈ ગયા હતા. બુધવારે સવારથી જ આહવા અને સુબીર તાલુકાનાં તમામ ડૂબાવ કોઝવેકમ પુલો ઉપરથી પાણી ઓસરી જતા પ્રભાવિત થયેલ જનજીવન પૂર્વરત થયું હતું.
જ્યારે બુધવારે દિવસ દરમિયાન વઘઇ તાલુકાનાં ગામડાઓમાં ભારે વરસાદ પડતા આ પંથકમાં પાણીની રેલમ છેલ યથાવત રહી હતી. વઘઇ તાલુકા સહિત ઉપરવાસનાં વિસ્તાર તેમજ સરહદીય વિસ્તારમાં ભારે વરસાદ પડતા આ પંથકને જોડતી અંબિકા અને પૂર્ણા નદીમાં બુધવારે પણ ઘોડાપુર જોવા મળ્યો હતો. બુધવારે અંબિકા અને પૂર્ણા નદીને જોડતા ઘોડવહળ કોઝવે, કુમારબંધ કોઝવે, સૂપદહાડ-સૂર્યાબરડા કોઝવે, ખાતળ ફાટક ઘોડી કોઝવે, ઢાઢરા કોઝવે, કુડક્સ-કોશીમપાતળ કોઝવે સતત ચોથા દિવસે પાણીમાં ગરક જ રહેતા સાતેક ગામડાઓ જિલ્લાનાં વહીવટી મથકેથી વિખુટા પડી સંપર્ક વિહોણા બન્યા હતા.
અંબિકા નદીમાં બુધવારે પણ ઘોડાપૂર સ્થિતિ રહેતા વઘઇનો ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ડાંગ ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર મંગળવારે સાંજે 6 વાગ્યાથી બુધવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમિયાન સાપુતારા પંથકમાં 28 મિમી અર્થાત 1.12 ઈંચ, આહવા 47 મિમી અર્થાત 1.88 ઈંચ, સુબીર પંથકમાં 58 2.32 ઈંચ, જ્યારે વઘઇ પંથકમાં 78 મિમી અર્થાત 3.12 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.