સુરત ખાતે રહેતા કમલ નિરંજન ગાંધીએ બુધવારે નાની દમણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, સવારે 4 કલાકે તેઓ ચાલતા મિરાસોલ રોડ તરફથી વાપી તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી મોપેડ પર બે યુવકો આવતા કમલે તેમની પાસેથી વાપી જવા માટે લિફ્ટ માંગી હતી. મોપેડ ઉપર બેસાડી તેઓ ફરિયાદીને મરવડ ગામમાં આવેલા સ્મશાન ભૂમિની ગલીમાં લઇ ગયા હતા. જ્યાં કમલને ઢોર માર માર્યા બાદ ખિસ્સામાંથી રોકડા રૂપિયા 62,000 અને એક 4 તોલાની ચેઇન છીનવી ફરાર થઇ ગયા હતા.
આ કેસમાં દમણ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરતા આરોપી સચીન અખિલેશ રાજભર અને એક સગીરની રવિવારે નાની દમણ વિસ્તારમાંથી ધરપકડ કરાઇ હતી. પુછપરછમાં આરોપીઓએ ગુનાની કબૂલાત કરતા સચીન અખિલેશ રાજભરને કોર્ટ સમક્ષ રજૂ કરતા સોમવાર સુધી પોલીસ કસ્ટડીમાં મુકવાનો હુકમ કરાયો હતો. જ્યારે સગીર આરોપીને તેના વાલી વારસને સોંપી દેવાયો હતો.
આ ઉપરાંત આ ગુનામાં સામેલ અન્ય એક આરોપી ઓમકાર દિનાનાથ તિવારીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કરી દીધા છે. દમણ વિસ્તારમાં બહારથી ફરવા આવેલા લોકો ઉપર હુમલા બાદ લૂંટની ઘટનાથી પર્યટકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.