સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં સવારના 9 થી બપોરના 3 વાગ્યા સુધીમાં 50 mm એટલે કે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમીધારે વરસી રહેલા વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. સેલવાસ અને તેની આસપાસના વિસ્તારોમા વાહનવ્યવહાર અને લોકોની અવરજવર થંભી ગઈ છે. ના છૂટકે બહાર નીકળેલા રાહદારીઓ, કંપનીના કર્મચારીઓ, સરકારી નોકરિયાતો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ સૌ કોઈ રેઇનકોટ, છત્રીમાં સજ્જ જોવા મળ્યા હતા. સેલવાસમાં કુલ મૌસમના વરસાદની વાત કરીએ તો સેલવાસમાં 1500 mm થી વધુ વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે ખાનવેલમાં 1628 mm થી વધુ વરસાદ વરસ્યો છે.
ધીમીધારે સતત વરસી રહેલા વરસાદને કારણે ડાંગર, નાગલી જેવા ધાન્ય અને મગ-તુવર જેવા કઠોળનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ડાંગરની ખેતી કરતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. ખેતરમાં આદિવાસી ગીત અને નૃત્ય સાથે ડાંગરની રોપણી કરવામાં આવી રહી છે.
આ તરફ વલસાડ જિલ્લામાં પણ સોમવારે સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સવારના 6 થી 2 વાગ્યામાં સુધીમાં વલસાડ જિલ્લાના ઉમારગામ તાલુકા સિવાય તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. કપરાડામાં 177mm, ધરમપુરમાં 68 mm, પારડીમાં 71 mm, વલસાડમાં 42 mm અને વાપીમાં 36 mm વરસાદ વરસ્યો છે.
સિઝનનો સૌથી વધુ વરસાદ કપરાડામાં વરસતા ચેરાપૂંજીનું બિરુદ યથાવત રહ્યું છે. કપરાડામાં મૌસમનો અત્યાર સુધીમાં સૌથી વધુ 1582 mm વરસાદ વરસી ચુક્યો છે. જે બાદ વાપી 1449 mm સાથે બીજા ક્રમે છે. ધરમપુર 1258 mm સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે પારડી 1215 mm, ઉમરગામ 1139 mm અને વલસાડમાં 1126 mm વરસાદ વરસી ચુક્યો છે.