- દમણમાં સોમવારે સ્વંયભૂં બંધ
- ડેલકરની પ્રથમ માસ પુણ્યતિથિએ લોકોએ બંધના એલાનને સમર્થન આપ્યું
- જનતામાં દોષીતો સામે કાર્યવાહી કરવાની માંગ
દમણ: કેન્દ્રશાસિત દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરની આત્મહત્યાને 22મી માર્ચે એક મહિનો પૂર્ણ થયો છે. હજુ સુધી તેમની આત્મહત્યા મામલે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે ડેલકરની પ્રથમ માસ પુણ્યતિથિએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં સજ્જડ બંધનું એલાન અપાયું છે. જેને સ્થાનિક લોકોએ સમર્થન આપી પોતાના ધંધા રોજગારના સ્થળો બંધ રાખ્યા હતાં.
9 લોકો સામે મુંબઈ મરીન ડ્રાઈવ પોલીસ મથકમાં FIR દર્જ
ગત 22મી ફેબ્રુઆરીએ મુંબઈની હોટેલમાં દાદરા નગર હવેલીના સાંસદ અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા મોહન ડેલકરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ તેમની આત્મહત્યા પાછળ પ્રફુલ પટેલ સહિત પ્રશાસનિક અધિકારીઓ, રાજકીય આગેવાનોની કનડગત હોવાનું તેમની સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ હોવાથી 9 લોકો સામે મુંબઈ મરીન ડ્રાઈવ પોલીસ મથકમાં FIR દર્જ કરવામાં આવી હતી. પ્રફુલ પટેલ સહિતના લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માગ કરી હતી.
આ પણ વાંચો: સાંસદ મોહન ડેલકરના આત્મહત્યા મામલે ધારાસભ્ય છોટુ વસાવાનો કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપ
તમામ માર્કેટ, દુકાનો બંધ રહી
જોકે, તે બાદ સતત એક મહિનો પૂરો થયો હોવા છતાં આ ઘટનામાં કોઈ નક્કર કાર્યવાહી નહીં થતા તેના વિરોધમાં અને ડેલકરની પ્રથમ માસ પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપવા માટે દાદરા નગર હવેલી સાથે દમણમાં પણ લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. દમણમાં તમામ માર્કેટ, મુખ્ય રસ્તાઓ પરની દુકાનો, શાકભાજી માર્કેટ, મચ્છી માર્કેટ, રેસ્ટોરન્ટ અને બાર સહિત તમામ મુખ્ય ધંધા રોજગારના સ્થળો બંધ રાખ્યા હતાં.
વેપારી વર્ગે આપ્યું બંધને સજ્જડ સમર્થન
દમણમાં આ સ્વૈચ્છિક બંધને લોકોએ ભરપૂર સમર્થન આપ્યું છે. અને પ્રશાસન તેમજ અન્ય પક્ષોના લોકો તેમને ધંધા રોજગારના સ્થળો ખોલવા માટે કહેતા હોવા છતાં પ્રથમ વખત લોકોએ આ બંધને સમર્થન આપ્યું છે. મોહન ડેલકર એક પ્રિય નેતા હતાં અને એના મોત મામલે યોગ્ય તપાસ થાય, દોષિતો સામે કાર્યવાહી થાય તેવી માગ વેપારી વર્ગ દ્વારા કરવામાં આવી હતી. જેને લઈને તમામે બંધના એલાનને સ્વૈચ્છિક સમર્થન આપ્યું હતું.
આ પણ વાંચો: મોહન ડેલકરના સમર્થનમાં પ્રફૂલ પટેલના પૂતળાનું દહન, મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
જનતાએ ડેલકર પ્રત્યે પોતાની ભાવના પ્રગટ કરી
ઉલ્લેખનીય છે કે, બંધના મામલે પોલીસ અને પ્રશાસને બે દિવસ અગાઉથી જ લોકોને સમર્થન નહીં આપવા અને ધંધા રોજગાર ખુલ્લા રાખવા માટે પરિપત્ર બહાર પાડવા ઉપરાંત શહેરમાં માર્ચપાસ્ટ યોજી હતી, પરંતુ જાણે જનસમર્થન મોહન ડેલકર તરફ હોય તેમ જનતાએ સ્વયંભુ બંધ પાળીને મોહન ડેલકર પ્રત્યે પોતાની અંતરની ભાવના પ્રગટ કરી હતી.