વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ GIDCના પ્લાસ્ટિક ઝોનમાં આવેલ રિશીકા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપનીમાં ગુરુવારે વહેલી સવારે એટલે કે આજે સવારે આગનો બનાવ બન્યો હતો. જેમાં ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી અનૂસાર રિશીકા ઇન્ડસ્ટ્રીઝ મેંગો કુલરની પ્રોડક્ટ બનાવતી ફેકટરીમાં આગ લાગી હતી. પ્રોડક્ટ બનાવામાં આવતા પ્લાસ્ટિક મટીરીયલમાં આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આગ ભભૂકી ઉઠી: સરીગામ GIDC નજીક માંડામાં આવેલ પ્લાસ્ટિક ઝોનમાં ગુરુવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેની જાણકારી સરીગામ ફાયર ઉપરાંત જિલ્લાના અને સંઘ પ્રદેશના અન્ય ફાયર ફાઇટરોને કરવામાં આવી હતી. જોકે પ્લાસ્ટિક મટીરીયલમાં આગ લાગી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને બુઝાવવા માટે ફાયર જવાનોએ ભારે મહેનત કરી હતી. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઇડીસીમાં માંડા વિસ્તારમાં આવેલ પ્લાસ્ટિક ઝોનમાં રિશીકા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપનીમાં આગ લાગી હતી. આગનું કારણ અકબંધ છે. મળતી વિગતો મુજબ આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ કંપનીનું તમામ પ્લાસ્ટિક સામગ્રી બળીને ખાખ થઈ જતા તેમજ કંપનીના શેડને પણ ભારે નુકસાન થતાં હાલ નુકસાનીનો આંકડો કરોડોમાં જઈ શકે છે.
વિકરાળ સ્વરૂપ: આગની ઘટના અંગે સરીગામ ફાયર ઓફિસર રાહુલ દેવમુરારીએ જણાવ્યું હતું કે, સવારે સાત વાગ્યે ફાયર ઓફિસમાં કોલ આવ્યો હતો કે માંડા ખાતે આવેલ પ્લાસ્ટિક ઝોનની એક કંપનીમાં આગ લાગી છે. એટલે ફાયરની ગાડી તુરંત રવાના કરવામાં આવી હતી. ઘટનામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી તાત્કાલિક તેને બુજાવવા પાણી અને ફૉમનો મારો શરૂ કર્યો હતો તો સાથે અન્ય ફાયર ફાઈટરને બોલાવવામાં આવ્યા હતા. જો કે સવારના સાત વાગ્યાથી લઈને 11:00 વાગ્યા સુધીમાં આગ પર ફાયર ના જવાનોએ 70% કાબુ મેળવી લીધો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ના હોય તમામે રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચો Valsad News : બોડી બિલ્ડર ચેમ્પિયનશિપ, બાવણાંના જોરે વલસાડના યુવાને બાજી મારી
કાબુમાં લેવાના પ્રયાસો: સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ નિર્મલ દુધાનીએ જણાવ્યું હતું કે કંપની મેંગો કુલર નામની એર કુલર ની પ્રોડક્ટ બનાવે છે. જેમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક મટીરીયલનો ઉપયોગ થતો હોય આ પ્લાસ્ટિક મટીરીયલ હતું. જેમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. રિશીકા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની આ કંપની અન્ય સ્થળોએ પણ પ્લાન્ટ ધરાવે છે. આગની આ ઘટના માંડામાં આવેલ યુનિટમાં લાગી છે. આગ પર કાબુ મેળવવા ઉમરગામ, પારડી, વાપી, સરીગામ, દમણ, સેલવાસ સહિતના ફાયર ફાઈટરોને બોલાવવામાં આવ્યા છે. કંપનીના આસપાસના ઉદ્યોગોમાંથી પણ ફાયર ટેન્ડરો મંગાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે.
ઘટના સ્થળે પહોંચ્યા: શિફ્ટમાં કેટલાક કામદારો કામ કરતા હતા પરંતુ આગની ઘટના દરમિયાન તે તમામ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. એટલે જાનહાની ટળી છે પરંતુ આગના કારણે કંપનીને મોટું નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે આગની આ ઘટના દરમિયાન ફાયર જવાનોની સાથે સાથે ભીલાડ પોલીસ સ્ટેશન, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, વહીવટી તંત્રને પણ જાણ કરતા તમામ વિભાગના અધિકારીઓ, પોલીસ જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ GPCB સહિતના વિભાગોએ વધુ તપાસ હાથ ધરી છે.