દમણ: વાપીમાં બુધવારે વહેલી સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા દરમ્યાન 85mm જેટલો વરસાદ વરસ્યો છે. જેને કારણે રેલવે ગરનાળુ પાણીમાં ગરકાવ થયું છે. નાના ગરનાળામાં પણ પાણી ભરાયું હોય ફાટક સહિત અન્ય ઇસ્ટ વેસ્ટને જોડતા માર્ગો પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. જ્યારે દમણમાં 24 કલાકમાં 234.8mm વરસાદ વરસતા અનેક નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા હતા.
"ગરનાળામાં પાણીના નિકાલ માટે વાપી નગરપાલિકા દ્વારા ચાર જેટલા હેવી જેટ પમ્પ મૂકી ગરનાળામાં પાણી ભરાઈ નહીં તેવી સાવચેતી દાખવી હતી. પરંતુ કોઈક કે ગરનાળાના પાણી જવાના માર્ગ પર તાડપત્રી નાખી દેતા ગરનાળામાં પાંચ ફૂટ થી વધુ પાણી ભરાઈ ગયું હતું. જેનો નિકાલ નગરપાલિકાના ડ્રેનેજ, વોટર સપ્લાય, ઇલેક્ટ્રીક વગેરે વિભાગના અને ફાયર જવાનો મળી કુલ 40 જેટલા કર્મચારીઓ ગરનાળાના પાણીનો નિકાલ કરવા કામે લાગ્યા હતા. જો કે, 50 ઇંચની અડધી સદી પુરી કરવાના મૂડમાં મેઘરાજાએ વાપીને 2 કલાકમાં જ તરબોળ કરી દેતા જનજીવન પ્રભાવિત થયું હતુ"-- અભય શાહ ( પાલિકાના ઉપપ્રમુખ)
40 જેટલા કર્મચારીઓ: વલસાડ જિલ્લાના વાપીમાં બુધવારે વહેલી સવારના છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા દરમ્યાન 85 mm વરસાદ ખાબક્યો હતો. જ્યારે સવારના 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા વચ્ચે કુલ 94 mm વરસાદ વરસ્યો હતો. વહેલી સવારમાં વરસેલા વરસાદને કારણે વાપીના ઇસ્ટ વેસ્ટ વિસ્તારને જોડતા મુખ્ય માર્ગ એવા રેલવે ગરનાળામાં ગળા ડૂબ પાણી ભરાયું હતું. રેલવે ગરનાળુ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ગરનાળાના પાણીનો નિકાલ કરવા નગરપાલિકાના વિવિધ ડિપાર્ટમેન્ટના 40 જેટલા કર્મચારીઓ કામે લાગ્યા હતા.
ભારે ટ્રાફિકજામ: ભારે વરસાદને કારણે નાના ગરનાળામાં દ્વિચક્રી વાહન ચાલકો ફસાયા હતા. જેઓ મહા મહેનતે પોતાના વાહનો ગરનાળામાંથી બહાર કાઢતા જોવા મળ્યા હતા. કેટલાકના વાહનો પાણીમાં બંધ થઈ જતા તેને ધક્કા મારી બહાર કાઢવા પ્રયાસ કરતા હતાં. બંને રેલવે ગરનાળા પાણીમાં ગરકાવ થતાં રેલવે ફાટક, વાપી ટાઉન વિસ્તારમાં ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. વલસાડ જિલ્લામાં વરસેલા સીઝનના કુલ વરસાદની વિગતો જોઈએ તો વલસાડ તાલુકામાં અત્યારે સુધીમાં 1097 mm વરસાદ વરસી ચુક્યો છે. ધરમપુરમાં 1114 mm, પારડીમાં 1,086 mm, કપરાડામાં 1319 mm, ઉમરગામમાં 1158 mm, અને વાપીમાં 1303 mm વરસાદ વરસી ચુક્યો છે. જોકે અત્યાર સુધી સામાન્ય રીતે વરસતો વરસાદ આજે અચાનક ધોધમાર સ્વરૂપે વરસ્યો હતો. જેને કારણે વાપીમાં અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ગરનાળુ પણ પાણીમાં ગળા ડૂબ થયું હોય શહેરીજનો એ પારાવાર મુશ્કેલી ભોગવી હતી.
દમણમાં ભરાયા પાણી: વલસાડ જિલ્લાની જેમ જ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. સેલવાસમાં છેલ્લા 24 કલાકમાં 74 mm જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે દમણમાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર 234.8 mm વરસાદ વરસ્યો હોય દમણમાં અનેક નીચાણ વાળા વિસ્તારના ઘરોમાં પાણી ભરાયા હતા. જિલ્લાના સૌથી મોટા ડેમ મધુબન ડેમની પાણીની સપાટી પણ 70.45 મીટર એ પહોંચી છે. ડેમમાં હાલ 6452 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે 6924 ક્યુસેક પાણીની જાવક દમણ ગંગા નદીમાં ઠાલવવામાં આવી રહી છે.