સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પૂર્વ કલેકટર કન્નન ગોપીનાથને ફરી એક વખત ભારત સરકારના પત્રને ગણકાર્યો છે. થોડા સમય અગાઉ પ્રશાસનથી નારાજ થઈ ગોપીનાથને રાજીનામું આપી દીધું હતું, પરંતુ ભારત સરકારે રાજીનામાનો સ્વીકાર નહોતો કર્યો. જેથી તેમને ફરજ પર હાજર રહેવા કેન્દ્રના કાર્મિક વિભાગે આદેશ જારી કર્યો છે. જે અંગે કન્નન ગોપીનાથને પોતાના ટ્વીટર પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, IAS તરીકે સરકારી નોકરીમાં જોડાવાની તેમની કોઇ ઇચ્છા નથી.
8 મહિના અગાઉ ભારતીય પ્રશાસનિક સેવામાંથી રાજીનામું આપનારા દાદરાનગર હવેલીના પૂર્વ કલેક્ટર કન્નન ગોપીનાથનને કોરોના મહામારીના ઉપલક્ષમાં સેવામાં ફરીથી જોડવા માટે ભારત સરકારના વિભાગ દ્વારા પત્રમાં પાઠવેલી વિગત મુજબ, ભારત સરકારમાં IAS કેડરનાં અધિકારી કન્નન ગોપીનાથનનું રાજીનાનો સ્વિકાર કરવામાં આવ્યો નથી, જેથી તેઓ સરકારી સેવક તરીકે ફરજ બજાવવા માટે બંધાયેલા છે. હાલમાં દેશમાં કોરોના મહામારીના કારણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગત ભારત સરકાર અને રાજ્ય સરકારનો તથા રાજ્ય સત્તા મંડળની તમામ સંસ્થાઓને દેશમાં કોવિડ-19નો રોગચાળો નહીં ફેલાય તે માટે નિર્દેશ આપવામાં આવ્યાં છે. જેના અનુસંધાનમાં કન્નન ગોપીનાથનને નોકરી ઉપર હાજર થવા દાદરાનગર હવેલી અને દમણ-દીવનાં પ્રશાસકના સલાહકારની મંજૂરીથી ભારત સરકારના પર્સોનલ પબ્લિક ગ્રીવન્સીસ અને પેન્શન વિભાગ દ્વારા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે.
જો કે, 2012ના યુપી કેડરના IAS અધિકારી ગોપીનાથને ટ્વીટ કરી અને સરકારને પત્ર પાઠવી જણાવ્યું છે કે, તેઓ COVID-19ની લડાઈ માટે એક વોલિયન્ટર તરીકે જોડાવા તૈયાર છે, પરંતુ તેઓ કોઇ પણ સંજોગોમાં ફરી પાછા IASની સેવામાં જોડાવા માગતા નથી. હાલ તેઓ મહારાષ્ટ્રમાં કેટલાક NGO સાથે કામ કરી રહ્યા છે અને તે પોતાની હાલની સ્વતંત્રતાથી ખુશ છે.