પારડી રેન્જના ફોરેસ્ટર અને વનરક્ષકે ફરિયાદી પાસે 10 લાખની નહીં પરંતુ 50 લાખની માગ કરી હતી. તે દરમિયાન 10 લાખની લાંચ લેતા ACBના છટકામાં આવી ગયો હતો. જે મામલે આદિજાતિ રાજ્યપ્રધાન રમણ પાટકરે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યપ્રધાને તમામ અધિકારીઓને ખાસ જવાબદારી સોંપી છે. જેમાં ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓને ક્યારેય છોડવામાં નહીં આવે તેવી ખાસ જાહેરાત કરી છે અને આ પ્રકારના ભ્રષ્ટાચાર અંગે યોગ્ય તપાસ કરી સસ્પેન્ડ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવે છે.
તે જ અનુસંધાને પારડીમાં 10 લાખની લાંચ માંગનાર ફોરેસ્ટ અધિકારી અને વનરક્ષક અંગે પાટકરે જણાવ્યું હતું કે તે અધિકારીની આ જ માનસિકતા હતી. આ અંગે તેણે પોતે પણ બે વાર ટકોર કરી હતી. તેઓએ લાંચ લેનાર અધિકારી સામે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સરકાર આ અંગે યોગ્ય તપાસ કરી સસ્પેન્ડ સહિતની કાર્યવાહી કરશે.
ઉલ્લેખનીય છે કે, પારડી ફોરેસ્ટરે અરજી અનુસંધાને સર્વે કરવા અને અગાઉ મંજુર થયેલા નોન પ્રોટેકટેડ ફોરેસ્ટ પરમીશનનું કામ શરૂ કરવા વન રક્ષક જીગર રમેશ રાજપૂત અને ફોરેસ્ટર ધર્મેન્દ્ર સિંહ પ્રભાત સિંહ ચાવડાએ ફરિયાદી પાસે રૂપિયા 10 લાખની લાંચ માગી હતી. જે લાંચના નાણા ફરીયાદી આપવા માગતા ન હોવાથી એસીબીમાં ફરીયાદ કરતા એસીબીએ લાંચનું છટકું ગોઠવતા વનરક્ષક જીગર રાજપૂતે લાંચના નાણા સ્વીકારી લીધા હતાં. જ્યારે ફોરેસ્ટર ધર્મેન્દ્ર સિંહ ચાવડાને શંકા થતા તે ફરાર થઈ ગયો હતો.
જ્યારે એ.સી.બીએ જીગર રાજપૂતની સ્થળ ઉપર ધરપકડ કરી હતી. અચાનક બનેલી ઘટનાને પગલે વન વિભાગના અધિકારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. આ સમગ્ર ઘટનામાં ટ્રેપ કરનાર અધિકારી એચ.બી. ગામેતી, ઇન્ચાર્જ પો.ઇ., વડોદરા ગ્રામ્ય, એ.સી.બી. જ્યારે સમગ્ર ટ્રેપ દરમિયાન સુપર વિઝન અધિકારી બી.જે.પંડ્યા, ઇન્ચાર્જ મદદનીશ નિયામકના નજર હેઠળ કરવામાં આવ્યું હતું.