ચોમાસાની ઋતુ આવે એટલે અનેક બીમારીઓ માજા મૂકતી હોય છે. એમાં પણ પાણી ભરાવાને કારણે મચ્છરજન્ય બીમારીઓ વધુ વકરે છે. સતત વરસાદી મૌસમમાં ભીંજાવાથી શરદી અને ઉધરસનો ચેપ લાગતો હોય છે. આવી જ રીતે ચોમાસા દરમિયાન ચામડીના રોગના પ્રમાણમાં અને હેરફોલના પ્રમાણમાં પણ વધારો નોંધાય છે.
ચોમાસાની ઋતુમાં સતત ભીંજાવાથી ચામડીના રોગમાં ફંગલ ઇન્ફેક્શન થવાનું પ્રમાણ ખુબ વધુ જોવા મળે છે. ત્યારે, આ અંગે વાપીના કોસ્મેટોલોજિસ્ટ ડૉ. અંકિતા ભટ્ટે વિગતો આપતા જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુમાં ભીંજાવાથી ફંગલ ઇન્ફેક્શન થતું હોય હોય છે. એ જ રીતે વાળ ભીના રહેવાથી હેરફોલ અને વાળ ખરવાનું પ્રમાણ વધે છે. ત્વચા ઓઈલી થઈ જાય છે.
મુખ્યત્વે ચામડી પર ફંગલ ઇન્ફેક્શન ખૂબ જ ખંજવાળ ઉત્પન્ન કરાવે છે. વાપી, વલસાડ, સેલવાસ અને દમણમાં ચોમાસાની ઋતુમાં પુષ્કળ વરસાદ વરસે છે. તે સાથે જ ભેજનું પ્રમાણ પણ વધે છે. જે મનુષ્યના શરીરના વિવિધ ભાગો અને મુખ્યત્વે પ્રાઇવેટ પાર્ટ પર ફંગલનો ચેપ લગાવે છે. મોટાભાગે પ્રાઇવેટ પાર્ટ પર પરસેવો થવો એ મુખ્ય કારણ છે. હાલમાં રોજની OPD માં 10થી 12 ફંગલ ઇન્ફેક્શનના દર્દીઓ વધી રહ્યા છે.
ફંગલ નાના બાળકોથી લઈને મોટી ઉંમરના સ્ત્રી-પુરુષોને પણ થાય છે. ત્યારે, ચોમાસાની ઋતુમાં વરસાદમાં ભીંજાવાની ભલે મજા માણો પણ તે બાદ શરીરને કોરું પણ કરો તો જ શરદી સળેખમની સાથે ચામડીના રોગથી પણ બચી શકશો.