વાપી નજીક કરમબેલી અને વલવાડા ખાતે મુંબઈ અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હાલ ફળોનો રાજા કહેવાતા કેરીના 100 જેટલા વેપારીઓએ ડેરા તમ્બુ તાણી દીધા છે. સ્થાનિક જમીન માલિકોની અને હાઈવે ઓથોરિટીની જમીન પર ઉભા કરેલા આ સ્ટોલમાં હાલ ઝારખંડના વેપારીઓ દ્વારા રત્નાગીરી, દેવગઢ, પાયરી, કેસર, લાલબાગ, તોતાપુરી સહિતની કેરીનું વેંચાણ કરે છે.
જો કે, હાલમાં આ કેરીનો ભાવ અમીરોને પરવડે તેટલો મોંઘો છે. જેથી કેરીના રસિયાઓ કેરી ખરીદવા જરૂર આવે છે. પરંતુ ભાવ સાંભળી કેરીનો સ્વાદ માણવાનું મુલતવી રાખી દે છે. તેમ છતાં કેટલાક એવા ગ્રાહકો પણ છે જે, ઊંચા દામે પણ કેરી ખરીદી તેનો સ્વાદ માણવાનું ચુકતા નથી.
વલવાડા ખાતે કેરીના વેંચાણઅર્થે ડેરા તમ્બુ તાણી કેરીનું વેંચાણ કરતા ઝારખંડના વેપારી શાહઝંહા શૈખ, નસરુદ્દીન સહિતના વેપારીઓએ જણાવ્યું હતું કે વલસાડી હાફૂસ અને કેસર પહેલા રત્નાગીરી અને દેવગઢની કેરી વહેલી માર્કેટમાં આવી જાય છે. જેથી અમે ટ્રક દ્વારા આ કેરી અહીં મંગાવી તેનું વેંચાણ કરીએ છીએ હાલમાં રત્નાગીરી 1 ડઝનનો ભાવ 1200 થી 1500 રૂપિયા છે.
જ્યારે દેવગઢ કેરીનો ભાવ 1300 થી 1600 રૂપિયા ડઝનના હિસાબે બોલાય છે. કેરીની સિઝનની શરૂઆત છે. એટલે ગ્રાહકો આવે છે. પરંતુ જોઈએ તેવી કમાણી હાલ થતી નથી. ગ્રાહકો 900 થી 1000 રૂપિયામાં માંગ કરે છે. જે અમને પરવડી શકે તેમ ન હોવાથી આપી નથી શકતા તેમ છતાં ક્યારેક 20 થી 50 રૂપિયાના નજીવા માર્જિને પણ વેંચાણ કરી છીએ.
કેરીના વેપારીઓનું કહેવું છે, કે તેઓ દર વર્ષે અહીં ચોમાસા સુધી કેરીનું વેંચાણ કરે છે. શરૂઆતમાં રત્નાગીરી અને દેવગઢની કેરીનું વેંચાણ કર્યા બાદ જેવી વલસાડની કેસર અને હાફૂસ બજારમાં આવે એટલે સ્થાનિક કેરી માર્કેટમાંથી તેની ખરીદી કરી અહીં વેંચાણ કરીએ છીએ અને ઘરાકી પણ સારી મળે છે. હાલમાં પણ મંદી નો માહોલ છે. જે વલસાડી હાફૂસ, કેસર, પાયરી, તોતાપુરી સહિતની કેરી બજારમાં આવશે એટલે માંગ વધશે અને ઘરાકી પણ મળશે.
આ કેરી વેપારીઓને સ્ટોલ માટે ભાડા પર જમીન આપનાર બાલુભાઈએ જણાવ્યું હતું, કે આ કેરી વેપારીઓને કારણે આ વિસ્તારના કેરીના વેપારીઓ અને ખેડૂતોને પણ સારો લાભ થઇ રહ્યો છે. તેઓની કેરી ઘરઆંગણે જ વેંચાઈ જાય છે. અને બહાર મોકલવાની ચિંતા રહેતી નથી. હાલમાં વલવાડા અને કરમબેલી વિસ્તારમાં જ 100 જેટલા વેપારીઓએ તમ્બુ બાંધી દીધા છે. જે વલસાડી હાફૂસ, કેસરની બજારમાં આવક થશે તેમ તેમ વધારો નોંધાય છે. અને આ રીતે ખેડૂતો, વેપારીઓ અને આ વેંચાણકારોની સાથે ગ્રાહકોને માટે પણ ફાયદાકારક નીવડે છે.
કરમબેલી, વલવાડા નજીક હાઈવેની સમાંતર આ કેરીના વેપારીઓ કેરીના હંગામી સ્ટોલ ઉભા કરે છે. જેને કારણે હાઇવે પર જમીન ધરાવતા ખેડૂતો, જમીન માલિકોને પણ ભાડાની વધારાની આવક ઉભી થઇ રહી છે. એ જોતા ઉનાળામાં ફળોનો રાજા કેરી અનેક લોકોની આંતરડી ઠારી સ્વાદપ્રિય જનતાને પોતાની તરફ આકર્ષી રહી છે.