વાપી: ગઈ કાલથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. સમગ્ર ગુજરાત સાથે વાપીમાં પણ નવરાત્રી ના પ્રથમ દિવસથી જ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ ધૂમ મચાવી હતી. વાપીમાં ચલા વિસ્તારમાં આયોજિત શ્રીજી ઇવેન્ટના રાસ રમઝટ સિઝન-7માં વાપીના ખેલૈયાઓ સાથે દમણ કોસ્ટગાર્ડના જવાનોએ ગરબા રમવાનો આનંદ ઉઠાવ્યો હતો. જ્યારે કોમેડિયન ટીવી કલાકાર સુરજ ત્રિપાઠી એ સૌને હસાવતી ફટકાબાજી કરી હતી.
ખેલૈયાઓએ પ્રથમ નોરતે જ ગરબામાં ધૂમ મચાવી: નવરાત્રી પર્વ એટલે નવ દિવસ માતાજીની આરાધના કરવાની અને ગરબે રમવાનું પર્વ, આ નવ દિવસ દરેક નાના મોટા શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારમાં થતા ગરબાના આયોજનમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે રમે છે. જો કે હવે બદલાતા ટ્રેન્ડમાં લોકો પાર્ટી પ્લોટમાં જઇ અવનવા પોશાક માં સજ્જ થઈ ગાયક કલાકારો સાથે ગરબાની રમઝટ બોલાવે છે. ત્યારે વાપીમાં પણ ચલા સ્થિત ભાઠેલાં પાર્ટી પ્લોટમાં શ્રીજી ઇવેન્ટ્સ દ્વારા આયોજિત રાસ રમઝટ સિઝન 7 ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ ગરબા રમવાનો આનંદ ઉઠાવ્યો હતો. આ પ્રથમ નોરતાએ જ દમણ કોસ્ટગાર્ડના જવાનોએ પણ ગરબે રમી નવરાત્રી પર્વની દેશવાસીઓને શુભકામના પાઠવી હતી.
તંદુરસ્તીનો ખ્યાલ રાખી ગરબે રમો: દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશનથી પોતાના જવાનો અને પરિવાર સાથે ખાસ ગરબા રમવા આવેલા ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ S.S.N બાજપાઈએ જણાવ્યું હતું કે, નવરાત્રી નો પ્રથમ દિવસ છે. આ દિવસે બધાને નવરાત્રીની શુભેચ્છા પાઠવીએ છીએ. માતાજીનું પર્વ નવરાત્રી સમગ્ર ગુજરાતમાં ઉજવાય છે. ત્યારે દરેક લોકો તંદુરસ્તીનો ખ્યાલ રાખીને અને વિદ્યાર્થીઓ અભ્યાસ પર ધ્યાન આપવા સાથે આ પર્વને ઉજવે તે જરૂરી છે.