વાપી : જિલ્લામાં 3 દિવસથી શ્રી રાજસ્થાન જૈન એકતા મંચ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું નિઃશુલ્ક સેવન કરાવવામાં આવી રહ્યું છે. વાપીના ઝંડા ચોક, ગુંજન, ચણોદ, ભડકમોર વિસ્તારમાં સંસ્થા દ્વારા ખાસ સ્ટોલ લગાવી રાહદારીઓ, શહેરીજનોને ઉકાળાનું સેવન કરાવે છે. આ અંગે શ્રી રાજસ્થાન જૈન એકતા મંચના સંજય ભંડારીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન આ તુલસી સહિતની ઔષધીઓથી બનાવેલ ઉકાળો ખૂબ જ ફાયદાકારક છે. તે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. શરીર માટે ખુબ જ ગુણકારી છે. જેનું શહેરીજનોને નિઃશુલ્ક સેવન કરાવીએ છીએ.
લોકો પણ આ ઉકાળા નું એકવાર સેવન કર્યા બાદ તેના પ્રભાવશાળી ગુણોના વખાણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં શહેરના 20 હજારથી વધુ લોકોને આ ઉકાળાનું સેવન કરાવ્યું છે.

આયુર્વેદિક ઉકાળા સેવન કાર્યક્રમને વાપીના નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, વાપી ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જે. બારીયા અને સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસરની હાજરીમાં જનતા માટે શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં શ્રી રાજસ્થાન જૈન એકતા મંચના અરુણ શિરોયા, રમેશ કોઠારી સહિતના આગેવાનોની હાજરીમાં દરરોજ શહેરીજનોને ઉકાળો પીવડાવવામાં આવી રહ્યો છે.