'દેને કો ટૂકડા ભલા લેને કો હરિ નામ' આ સૂત્રને જીવનમંત્ર બનાવનારાં પૂજ્ય સંત જલારામ બાપાની 220મી જન્મજયંતિની વલસાડ, સહીત સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં આનંદભેર ઉજવણી થઈ રહી છે. વાપીમાં આવેલાં જલારામ સંસ્થાન ખાતે વહેલી સવારે મંગળા આરતી, ધ્વજારોહણ, સત્યનારાયણ ભગવાનની કથા, બપોરથી સાંજના પાંચ વાગ્યા સુધી ભજન સાંજે 6 થી 10 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંજે 6 વાગ્યા બાદ અંદાજિત 15 હજાર ભક્તો મહાપ્રસાદ ગ્રહણ કરશે. જે માટે રીંગણાં-બટાકાનું શાક, ખીચડી-કઢી, સેવ-ગાંઠિયા અને શિરો બનાવવા માટે સ્વાયસેવકો તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે.
વાપીના જલારામ સંસ્થાનની 1984માં સ્થાપના કર્યા બાદ 1998થી અહીં દર ગુરુવારે 250 થી 300 કિલો ખીચડી-કઢીનો મહાપ્રસાદ આપવામાં આવે છે. જે અંદાજિત 2500 થી 3000 લોકો ગ્રહણ કરે છે. આ મંદિરના પૂજારી પ્રેમશંકર જાનીના જણાવ્યા મુજબ 2024 સુધી અહીં દાતાઓનું લિસ્ટ તૈયાર છે. એટલે અન્ય દાતાઓ 2024 સુધી વેઇટિંગ લિસ્ટમાં છે.