દમણ: સંઘપ્રદેશ દમણમાં આવેલ સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં ભાજપ મહિલા મોરચા દ્વારા નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે હેન્ડલૂમ ફેશન શૉનું આયોજન કર્યું હતું. આ દિવસને ધ્યાનમાં રાખી આયોજિત સાપ્તાહિક કાર્યક્રમ હેઠળ હેન્ડલૂમ ઉદ્યોગ સાથે સંકળાયેલ મહિલાઓને સન્માનિત કરી ઉદ્યોગ કાયમ જળવાય રહે તેનાથી આવતી કાલનું ભવિષ્ય ગણાતા બાળકો પરિચિત બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અનોખું આકર્ષણ: હાથશાળ ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે ભારત સરકાર અને વણાટ ઉદ્યોગ સાથે સંકળાયેલ સંસ્થાઓ હેન્ડલુમની ચીજવસ્તુઓ અંગે પ્રદર્શન યોજી નેશનલ હેન્ડલૂમ દિવસની ઉજવણી કરે છે. ખાદી સહિત હેન્ડલૂમમાંથી તૈયાર થયેલ વસ્ત્રોનું પરિધાન કરી દેશની અલગ અલગ સંસ્કૃતિમાં તે કેટલું મહત્વ ધરાવે છે તેનાથી સૌને પરિચિત કરાવ્યા હતા. ફેશન શૉમાં 3 વર્ષના બાળકોથી માંડીને મોટી ઉંમરની મહિલાઓ, બાળકોની માતાઓએ રેમ્પ વોક કર્યું હતું
"હેન્ડલુમ ડે નિમિત્તે મહિલા મોરચા દ્વારા ફેશન શો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હેન્ડ લૂમ ઉદ્યોગ સાથે સંકળાયેલ વણકર ભાઈઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આ ફેશન શો સહિત એક સપ્તાહના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે" -સિમ્પલ કાટેલા, (અધ્યક્ષ ભાજપ મહિલા મોરચા, દમણ)
સાપ્તાહિક કાર્યક્રમ:મહિલા મોરચા દ્વારા એક સપ્તાહના કાર્યક્રમમાં આવી મહિલાઓને સન્માન કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. દમણ ખૂબ જ નાનકડો પ્રદેશ છે જેમાં મોટેભાગે સાડીના વણાટ ઉદ્યોગ સાથે મહિલાઓ સંકળાયેલી છે. જેમને પ્રોત્સાહન કરવા મહિલા મોરચાની ટીમ સતત પ્રયત્નશીલ છે. તો લોકલ ફોર વોકલના સૂત્રને સાર્થક કરી મહિલાઓ માટે પાપડ, અથાણું જેવી ચીજ વસ્તુ બનાવવાની અને મશરૂમની ખેતી કરવાની તાલીમ આપી પ્રશાસન સાથે સંકલન સાધી માર્કેટિંગ પણ પૂરું પાડવામાં આવે છે.